
ઈરાને આપી વળતો પ્રહાર કરવાની ધમકી અમેરિકાએ ઈરાની બોટો પર હુમલો કરતાં ભડકો ઈરાને અમેરિકા પર હોર્મોઝગાન પ્રાંતના કેશ્મ ટાપુ નજીક ૨ માછીમારી બોટને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને અમેરિકી સૈન્ય પર સીધો હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. હોર્મોઝગાન પ્રાંતના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમેરિકાએ કેશ્મ ટાપુ નજીક માછીમારી કરી રહેલી ૨ બોટને નિશાન બનાવી હતી. આ ઘટનામાં ૨ માછીમારો લાપતા થયા છે જ્યારે ૧ વ્યક્તિ ઘાયલ થયો છે. જાેકે, આ હુમલા અંગે અમેરિકા તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ ઘટના બાદ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ દુશ્મનના કોઈપણ ખતરા સામે તાત્કાલિક અને અસરકારક જવાબ આપવા સૈન્યને સ્પષ્ટ આદેશ આપ્યા છે. પોતાના લેખિત સંદેશમાં તેમણે જણાવ્યું છે કે ઈરાનના જવાબી હુમલા માટે કોઈ ભૌગોલિક સીમા નક્કી નહીં હોય. જાે દુશ્મન દેશો દ્વારા ફરી લશ્કરી કે આતંકી હુમલો કરવામાં આવશે, તો નવો સંઘર્ષ ક્યારે અને કઈ શરતો પર સમાપ્ત થશે તે ઈરાન પોતે નક્કી કરશે.
સુપ્રીમ લીડરે ઈરાની સશસ્ત્ર દળોને તમામ અમેરિકી અને ઈઝરાયેલી લશ્કરી મથકો તથા સંસાધનોને નિશાન બનાવવા માટે પોતાની ટાર્ગેટ લિસ્ટ તાત્કાલિક અપડેટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત દેશમાં દારૂગોળો અને શસ્ત્રોનું ઉત્પાદન ઝડપથી વધારવા, લશ્કરી ગુપ્તચર ક્ષમતા મજબૂત કરવા તેમજ સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને વધુ વેગ આપવા પણ જણાવવામાં આવ્યું છે.
આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવાના સતત સંકેતો આપવામાં આવી રહ્યા છે. અહેવાલો મુજબ, અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર નવેસરથી હુમલો કરવા અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ટોચના લશ્કરી અધિકારીઓએ રાષ્ટ્રપતિ સામે વિવિધ વિકલ્પો રજૂ કર્યા છે. બીજી તરફ, ઈઝરાયેલ પણ આ સંભવિત સૈન્ય કાર્યવાહીને લઈને પોતાની તૈયારીઓ તેજ કરી રહ્યું હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે.




