
અમેરિકાના ઓરેગનમાં ભયાનક હવાઈ દુર્ઘટના એરપોર્ટ નજીક હવામાં જ ટકરાયા બે હેલિકોપ્ટર, ૩ લોકોના કરુણ મોત અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અમેરિકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓરેગન રાજ્યમાં એક ભયાનક હવાઈ દુર્ઘટના સર્જાઈ છે. મેકમિનવિલે મ્યુનિસિપલ એરપોર્ટ નજીક હવામાં જ બે હેલિકોપ્ટર વચ્ચે જાેરદાર ટક્કર થતાં ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. ગુરુવારે સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે ૨:૧૫ વાગ્યે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ અમેરિકાની તપાસ એજન્સીઓ દ્વારા દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ઓરેગનના મેકમિનવિલે મ્યુનિસિપલ એરપોર્ટ નજીક બે હેલિકોપ્ટર ઉડાન દરમિયાન એકબીજા સાથે અથડાઈ ગયાં હતાં. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણેય સવારનાં મોત થયાં હતાં. આ એરપોર્ટ પોર્ટલેન્ડથી આશરે ૪૦ માઇલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. અકસ્માત બાદ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
યમહિલ કાઉન્ટીના શેરિફ સેમ ઇલિયટે આપેલી માહિતી પ્રમાણે, એક હેલિકોપ્ટરમાં બે વ્યક્તિ સવાર હતાં. જેમાં ટેક્સાસના ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને યુનાઇટેડ કિંગડમના વિદ્યાર્થી પાયલટનો સમાવેશ થાય છે.
જ્યારે બીજા હેલિકોપ્ટરમાં ઓરેગનના ન્યૂબર્ગનો એક પાયલટ સવાર હતો. આ અકસ્માતમાં ત્રણેયનાં મોત થયાં છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ ભયાનક હવાઈ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના નેતૃત્વ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પણ તપાસમાં જાેડાયું છે. તપાસ એજન્સીઓ બંને હેલિકોપ્ટરની ઉડાન, હવામાં તેમની સ્થિતિ અને અકસ્માત પહેલાંની પરિસ્થિતિ સહિતના પાસાઓની તપાસ કરશે.
અકસ્મતમાં સામેલ હેલિકોપ્ટરોમાંથી એક જેરી ટ્રિમ્બલ હેલિકોપ્ટર્સ કંપનીનું હોવાનું સામે આવ્યું છે. આ કંપની ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલ અને ખાનગી હેલિકોપ્ટર ભાડે આપવાની સેવા ચલાવે છે. કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને પોતાના એક હેલિકોપ્ટરનો આ દુર્ઘટનામાં સમાવેશ થયો હોવાની પુષ્ટિ કરી છે. સાથે જ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અકસમાત બાદ શેરિફ કાર્યાલય દ્વારા લોકોને ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. રાહત અને તપાસ કામગીરીમાં કોઈ અડચણ ન સર્જાય તે માટે લોકોને સહકાર આપવા પણ જણાવાયું છે. હાલ ત્રણ લોકોનાં મોતથી અમેરિકાના ઓરેગનમાં શોકનો માહોલ છે. બીજી તરફ તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે હવામાં ઉડતાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર કયા કારણોસર થઈ હતી.




