
(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજે ભારતીય રાજકારણમાં પક્ષપલટાની પ્રવૃત્તિ ફરી એકવાર લોકશાહી વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે. પંજાબ આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યોનું ભાજપમાં જોડાવું અને અગાઉ એપ્રિલમાં આમ આદમી પાર્ટીના સાત સાંસદોએ ભાજપનો હાથ પકડવો એ ઘટનાઓ માત્ર પક્ષીય સમીકરણોમાં થયેલો ફેરફાર નથી. આ ઘટનાઓ રાજકીય નૈતિકતા અને મતદારોના અધિકાર અંગે પણ રાષ્ટ્રીય સ્તરની ચર્ચા માગે છે. ખાસ કરીને આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે આવા પક્ષ પલટા પાછળના રાજકીય હેતુઓ અંગે સવાલો ઊભા થાય એ સ્વાભાવિક છે.
આમ પણ ભારતીય રાજકારણમાં પક્ષપલટો કોઈ નવી ઘટના નથી. એક સમય એવો હતો જ્યારે ધારાસભ્યો સવારમાં એક પક્ષમાં અને સાંજે બીજા પક્ષમાં જોવા મળતા હતા. આજ પ્રવૃત્તિએ "આયા રામ, ગયા રામ" જેવી ઓળખ ઊભી કરી હતી. સત્તા, હોદ્દો, મંત્રીપદ અને વ્યક્તિગત લાભ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષ બદલતા હતા. પરિણામે સરકારો અસ્થિર બનતી હતી અને મતદારોના મતનું મહત્વ ઘટતું હતું. આ પરિસ્થિતિને રોકવા માટે ૧૯૮૫ માં ૫૨ માં બંધારણીય સુધારા દ્વારા પક્ષપલટા વિરોધી કાયદો અમલમાં આવ્યો અને બંધારણમાં દસમી અનુસૂચિ ઉમેરવામાં આવી.
આ કાયદા મુજબ પક્ષના ચૂંટાયેલા સભ્ય દ્વારા સ્વેચ્છાએ પક્ષનું સભ્યપદ છોડવું અથવા પક્ષના આદેશ વિરુદ્ધ મતદાન કરવું ગેરલાયકાતનું કારણ બની શકે છે. જોકે પક્ષના વિધાનમંડળના ઓછામાં ઓછા બે તૃતિયાંશ સભ્યોની સંમતિથી પક્ષના વિલીનીકરણની સ્થિતિમાં કાયદામાં અપવાદની જોગવાઈ છે. એટલે કે કાયદો છે, બંધારણીય જોગવાઈઓ પણ છે છતાં પક્ષપલટાની રાજનીતિ અટકતી નથી. પ્રશ્ન એ છે કે કાયદો નબળો છે કે તેનો અમલ કરાવનારી રાજકીય વ્યવસ્થા નબળી છે?
આમ કાયદો પાનાં પર રહેશે અને જનતાનો વિશ્વાસ સત્તાના બજારમાં વેચાતો રહેશે.




