
કેરેન બાસને હરાવી બન્યા શહેરના પ્રથમ એશિયન મેયર લોસ એન્જલસમાં ભારતીય મૂળની નિત્યા રમણનો ઐતિહાસિક વિજય કેરળમાં જન્મેલા અને ૬ વર્ષની વયે અમેરિકા ગયેલા નિત્યા રમણે મેયરપદની ચૂંટણીમાં મેળવી મોટી રાજકીય જીત અમેરિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લોસ એન્જલસમાં ભારતીય મૂળની નિત્યા રમને મેયરપદની ચૂંટણીમાં વર્તમાન મેયર કેરેન બાસને હરાવીને એક મોટી અને ઐતિહાસિક રાજકીય જીત મેળવી છે. વર્ષ ૧૯૮૧માં કેરળમાં જન્મેલા નિત્યા રમણ માત્ર ૬ વર્ષની ઉંમરે અમેરિકા સ્થળાંતર કરી ગયા હતા, અને હવે તેઓ અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના વધુ એક અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. અગાઉ તેઓ વર્ષ ૨૦૨૦માં પ્રથમ વખત લોસ એન્જલસ સિટી કાઉન્સિલમાં ચૂંટાઈ આવ્યા હતા.
આ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સુરક્ષા, સસ્તાં મકાનોનું નિર્માણ અને ઘરવિહોણા (બેઘર) લોકોની સમસ્યાના ઉકેલ જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. વર્તમાન મેયર કેરેન બાસને રાજકીય સ્થાપિત વર્ગનું સમર્થન મળ્યું હતું, જ્યારે નિત્યા રમણને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ્સ ઑફ અમેરિકા અને પરિવહન ક્ષેત્રના સંગઠનોનો ટેકો સાંપડ્યો હતો. વર્ષ ૨૦૨૫માં પેલિસેડ્સ વિસ્તારમાં લાગેલી ભીષણ આગ અને તે સમયે બાસની ગેરહાજરી તથા તેમની નીતિઓની ટીકાઓ વચ્ચે નિત્યા રમને લોસ એન્જલસમાં રસ્તાઓ પર રહેતા ઘરવિહોણા લોકોની સંખ્યા જૂન ૨૦૨૮ સુધીમાં અડધી કરવાનો અને પ્રથમ કાર્યકાળમાં આ સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવાનો મોટો વાયદો કર્યો હતો.
ચૂંટણીની રાત્રે ગ્રીક થિયેટર પ્લાઝા ખાતે પોતાના સમર્થકોને સંબોધતા નિત્યા રમને શાંતિ જાળવવા અને અંતિમ પરિણામોની ધીરજપૂર્વક રાહ જાેવાની અપીલ કરી હતી. આ ચૂંટણીમાં બાસ અને રમણ વચ્ચેની ટક્કર પેઢીગત અને રાજકીય પરિવર્તનની લડાઈમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં મતદારોએ પરિવર્તનના પક્ષમાં મોટો જનાદેશ આપ્યો છે.




