
ફ્લોરિડા ડિસ્ટ્રિક્ટમાંથી મેળવી ભવ્ય જીત.અમેરિકી સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના પિયા ડાંડિયાનો વિજય થયો,રિપબ્લિકન ઉમેદવાર કૅસી અસકરને પરાજય આપી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બનાવ્યું સ્થાન.
અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીના પરિણામોમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો જાેવા મળી રહ્યો છે. ફ્લોરિડાની ૨૨મી કાૅંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પિયા ડાંડિયાએ ભવ્ય વિજય મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે. ડેમોક્રેટ્સ માટે અત્યંત પડકારજનક ગણાતી આ બેઠક પર પિયા ડાંડિયાએ રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ સૈનિક કૅસી અસકરને પરાજય આપીને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા)માં સ્થાન સુનિશ્ચિત કર્યું છે.
જાહેર થયેલા આંકડા મુજબ, પિયા ડાંડિયાને ૫૧.૯ ટકા મત સાથે ૧,૫૧,૯૨૬ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા કૅસી અસકરને ૪૯.૧ ટકા મત (૧,૪૦,૯૩૩ મત) પ્રાપ્ત થયા હતા. પિયા ડાંડિયાનો જન્મ ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં થયો હતો અને તેમના માતા-પિતા વર્ષો પહેલાં અમેરિકા સ્થાયી થયાં હતાં. ૨૮ વર્ષની ઉંમરે મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બન્યા હતા અને સૌથી ઓછી ઉંમરે પ્રિન્સિપાલ બનનારા લોકોમાં સ્થાન મેળવ્યું હતું. શિક્ષણ ક્ષેત્ર ઉપરાંત તેમણે ‘એપલ’ જેવી દિગ્ગજ ખાનગી કંપનીમાં પણ પોતાની સેવાઓ આપી છે.
ચૂંટણીમાં વિજય બાદ પિયા ડાંડિયાએ જણાવ્યું હતું કે તેઓ તેમના વિદ્યાર્થીઓ અને પુત્ર માટે વધુ સુરક્ષિત ભવિષ્ય બનાવવા માગે છે. અમેરિકી કાૅંગ્રેસમાં ભવિષ્યલક્ષી કાયદા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે સોશિયલ સિક્યોરિટી, મેડિકેડ, મોંઘવારી નિવારણ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને કામદાર પરિવારો માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ મિડ-ટર્મ ચૂંટણીમાં અમીશ શાહ (એરિઝોનાથી પ્રતિનિધિ સભા માટે) અને પ્રિયા સુંદરેશ (એરિઝોનાથી સીનેટ માટે) જેવા ભારતીય મૂળના નેતાઓ પણ દાવેદારી કરી રહ્યા છે, જ્યારે ઓહાયોમાં ગવર્નર પદ માટે વિવેક રામાસ્વામી ચૂંટણી મેદાનમાં છે.




