
જીરાના વેપારમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું ઊંઝાના વેપારીઓને રાજકોટના પિતા-પુત્ર સહિત ચારનો ચૂનો જીરાનો જથ્થો મંગાવી નાણાં ચૂકવ્યા વિના પેઢીઓ બંધ કરી આરોપીઓ ફરાર થયા ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ સાથે જીરાના વેપારના નામે રૂ.૧૩.૨૮ કરોડથી વધુની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના બે દલાલો અને પિતા-પુત્રની પેઢીઓએ કાવતરું રચી જીરાનો જંગી જથ્થો મંગાવ્યા બાદ નાણાં ચૂકવ્યા વિના પેઢીઓ બંધ કરી પલાયન થઈ જતાં ઊંઝા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ઊંઝાની શીતલ સોસાયટીમાં રહેતા અને માર્કેટયાર્ડમાં પટેલ હિતેષકુમાર અમરતલાલ નામની પેઢી ધરાવતા હિતેષકુમાર અમરતલાલ પટેલે ઊંઝા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વર્ષાેથી જીરું અને વરિયાળીનો વેપાર કરે છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન રાજકોટના અરવિંદ માલદેવભાઈ ગોડાદરા (પ્રોપરાયટર, રાધે ઓવરસીઝ) અને હાર્દિક ચતુર્ભુજ વિઠલાણીએ તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યાે હતો. બંનેએ તેઓ જીરું અને વરિયાળીની દલાલી કરતા હોવાનું કહીં રાજકોટ માર્કેટમાં તેમની મોટી પહોંચ અને પ્રતિષ્ઠા હોવાની વાતો કરી ધંધામાં ઊંચો નફો કરાવી આપવાની લાલચ આપી હતી. સાથોસાથ માલના પેમેન્ટની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે તેવી ખાતરી આપતાં વેપારીઓ વિશ્વાસમાં આવી ગયા હતા. જેના આધારે હિતેષકુમાર પટેલે તેમની પેઢી તેમજ તેમનાં પત્ની આશાબેનની પેઢી ‘આશા એગ્રો’, કાકા બળદેવભાઈ કાંતીલાલની પેઢી તથા ભાઈ રાહુલભાઈની ‘રાહુલ ફૂડ ઇન્ટરનેશનલ’ મારફતે ડિસેમ્બર ૨૦૨૩ અને જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન લાખો રૂપિયાનું જીરું મોકલ્યું હતું. આ માલ દલાલો મારફતે રાજકોટના બેડી મોરબી રોડ સ્થિત ન્યૂ સરદાર માર્કેટયાર્ડ ખાતે આવેલી હેમંતલાલ મોહનલાલ દાવડાની ‘સોમનાથ ટ્રેડિંગ’ અને અરવિંદ ગોડાદરાની ‘રાધે ઓવરસીઝ’ ખાતે મોકલાયો હતો. હિતેષભાઈ અને તેમના પરિવારની પેઢીઓ પાસેથી કુલ રૂ.૭,૫૮,૫૩,૦૯૧નો માલ મેળવી માત્ર રૂ.૨૫ લાખ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ.૭.૩૩ કરોડથી વધુનું પેમેન્ટ અટકાવી દેવાયું હતું. આ દલાલોએ હિતેષકુમારના પરિચિત અન્ય વેપારી નીતિનભાઈ વિનોદભાઈ પટેલને પણ ફોન કરીને લોભામણી વાતો કરી તેમની પાસેથી ‘રામફાર્મ કોમોડિટીઝ’ (પ્રોપરાયટર વિ હેમંતભાઈ દાવડા) માટે રૂ.૧.૭૩ કરોડનો માલ મંગાવી રૂ.૭૫ લાખ ચૂકવી બાકીના રૂ.૯૮,૦૩,૦૦૨ પચાવી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય વેપારી પુનીતકુમાર દુર્ગાપ્રસાદ ગોયલ (માનવી ટ્રેડર્સ) પાસેથી પણ રૂ.૧૧.૪૨ કરોડથી વધુની કિંમતનું ૫,૪૦૦ બોરી જીરું મંગાવી રૂ.૬.૭૧ કરોડ ચૂકવી બાકીના રૂ.૪,૭૧,૭૨,૩૯૨ ચૂકવ્યા નહોતા. સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પેમેન્ટ ન મળતાં અને દલાલો ગલ્લાંતલ્લાં કરવા લાગતાં વેપારીઓએ રાજકોટ ખાતે તપાસ કરી હતી. ત્યાં આરોપીઓની દુકાનો તથા પેઢીઓ બંધ હાલતમાં મળી આવી હતી અને તેઓ તમામ પેઢીઓ સંકેલીને નાસી ગયા હોવાનું જણાયું હતું. આરોપીઓમાં હેમંતલાલ દાવડા અને રવિ દાવડા પિતા-પુત્ર થાય છે. આમ, આરોપીઓએ સુનિયોજિત કાવતરું રચીને કુલ રૂ.૧૩,૨૮,૨૮,૪૮૫ ની રકમનું પેમેન્ટ ન ચૂકવીને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે હિતેષકુમાર પટેલની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે (૧) અરવિંદ ગોડાદરા, (૨) હાર્દિક ચતુર્ભુજ વિઠલાણી, (૩) હેમંતલાલ મોહનલાલ દાવડા અને (૪) રવિ હેમંતભાઈ દાવડા સામે ગુનાઈત વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતનો ગુનો નોંધી પીએસઆઈ એમ. કે. કાપડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.




