
કેન્સરના દર્દીઓ માટે મોટી રાહત.૧૩૭ દવાઓના ભાવમાં ૯૬ ટકા સુધીનો ઘટાડો.કેન્દ્ર સરકારનો મહત્ત્વનો ર્નિણય આજથી અમલી; ૬૭૯ બ્રાન્ડની દવાઓના ભાવમાં ૫૦ ટકાથી વધુ ઘટાડો.કેન્સરની મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે રાહતરૂપ ર્નિણય લીધો છે. કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી ૧૩૭ દવાઓના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા દવાઓ પર ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરવામાં આવતાં નવી કિંમતો ૯ નવેમ્બર, ૨૦૨૬થી અમલી બની છે. આ ર્નિણયથી કેન્સરની સારવાર પાછળ થતો ખર્ચ ઘટવાની આશા છે.
NPPA દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કુલ ૮૫ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ૧,૩૬૪ એન્ટી-કેન્સર ફોર્મ્યુલેશનના સુધારેલા ભાવ જાહેર કર્યા છે. આ પૈકી ૬૭૯ બ્રાન્ડની દવાઓના ભાવમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. કેટલીક દવાઓના ભાવમાં મહત્તમ ૯૬.૪૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
આ ભાવ ઘટાડાને કારણે અગાઉ હજારો અને લાખો રૂપિયામાં મળતી કેટલીક દવાઓ હવે ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ શકશે. દાખલા તરીકે, અગાઉ રૂ. ૫૦ હજારની કિંમત ધરાવતી દવા હવે અંદાજે રૂ. ૨૫ હજારમાં મળી શકે છે. જ્યારે કેટલીક દવાઓની કિંમત રૂ. એક લાખથી ઘટીને આશરે રૂ. ચાર હજાર સુધી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
કેન્સરની સારવાર લાંબા સમય સુધી ચાલતી હોવાથી દર્દીઓએ વારંવાર મોંઘી દવાઓ ખરીદવી પડે છે. પરિણામે મધ્યમ અને સામાન્ય આવક ધરાવતા પરિવારો પર મોટો આર્થિક બોજ પડે છે.NPPA ના અંદાજ પ્રમાણે, દવાઓના ભાવમાં કરવામાં આવેલા ઘટાડાથી દર્દીઓ અને તેમના પરિવારોને દર વર્ષે આશરે રૂ. ૩,૫૪૦.૩૮ કરોડની બચત થઈ શકે છે.
સરકારે દવાઓના નવા ભાવ અંગે દર્દીઓમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. દર્દીઓ પોતાની દવાનું નામ અને બ્રાન્ડ પ્રમાણે સુધારેલી કિંમતની માહિતી મેળવી શકશે.
દર્દીઓ અને તેમના પરિવારજનો દવાઓના સુધારેલા ભાવની માહિતી મેળવવા માટે Pharma Sahi Daam મોબાઇલ એપનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત NPPAની સત્તાવાર વેબસાઇટ પર પણ દવાઓની નવી મહત્તમ છૂટક કિંમત (MRP) તપાસી શકાશે.
સરકારના નિર્દેશ મુજબ, કોઈપણ મેડિકલ સ્ટોર અથવા હોસ્પિટલની ફાર્મસી દવા માટે નિર્ધારિત નવી MRP કરતાં વધુ કિંમત વસૂલી શકશે નહીં. જાે કોઈ કેમિસ્ટ કે હોસ્પિટલની ફાર્મસી વધુ નાણાં વસૂલે તો દર્દીઓ Pharma Jan Samadhan પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત NPPA ની હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૧૧૧-૨૫૫ પર પણ સંપર્ક કરી શકાય છે.
કેન્સરની દવાઓના ભાવમાં થયેલો આ ઘટાડો દર્દીઓ માટે આર્થિક રીતે રાહતરૂપ બની શકે છે. જાેકે, તમામ દવાઓના ભાવમાં સમાન પ્રમાણમાં ઘટાડો થયો નથી. તેથી દર્દીઓએ પોતાની દવાનું નામ, બ્રાન્ડ અને નવી MRP ની ચોક્કસ માહિતી તપાસ્યા બાદ જ ખરીદી કરવી જરૂરી છે. દવાઓના ભાવમાં ઘટાડાથી કેન્સરની સારવારનો એક મહત્ત્વનો ખર્ચ ઘટશે, પરંતુ સારવારનો કુલ ખર્ચ અન્ય તબીબી સેવાઓ અને પ્રક્રિયાઓ પર પણ આધારિત રહેશે.




