
સચિન તેંડુલકરના મહારેકોર્ડથી કોહલી ૧૪ સદી દૂર.વિરાટ કોહલીને ૧૦૦ સદી સુધી પહોંચતો જાેવા માગે છે ગાવસ્કર.કોહલીની ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદીની સિદ્ધિ માટે સાથી ખેલાડીઓ રનનું બલિદાન આપે તો પણ વાંધો નહીં : ગાવસ્કર.ભારતીય ક્રિકેટના દિગ્ગજ પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદીઓની સિદ્ધિને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ગાવસ્કરના મતે, જાે કોઈ ખાસ પરિસ્થિતિમાં ટીમના સાથી ખેલાડીએ પોતાના રનનું બલિદાન આપીને કોહલીને આ ઐતિહાસિક સિદ્ધિ સુધી પહોંચવાની તક આપવી પડે તો તેમાં કંઈ ખોટું નથી. આ સિદ્ધિ માત્ર કોહલી માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ગૌરવની ક્ષણ બની રહેશે.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ ૫૧ બોલમાં ૭૪ રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેની બેટિંગે ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચનો ઉલ્લેખ કરતાં ગાવસ્કરે જણાવ્યું હતું કે જાે કોહલી લાંબો સમય ક્રિઝ પર રહ્યો હોત અને ૯૦ના સ્કોરની આસપાસ પહોંચ્યો હોત, તો શુભમન ગિલ અને શ્રેયસ ઐયર માટે મૂંઝવણ ઊભી થઈ શકી હોત.
એક તરફ ટીમને જીત અપાવવાની જવાબદારી અને બીજી તરફ કોહલીને સદી પૂરી કરવાની તક આપવાનો પ્રશ્ન હોત. જાેકે, ગાવસ્કરના મતે ટીમની જીતની શક્યતાઓને અસર ન થતી હોય તો સાથી ખેલાડીએ આવી વ્યક્તિગત સિદ્ધિ મેળવવામાં મદદ કરવી યોગ્ય છે.
ગાવસ્કરે ભારતીય ક્રિકેટમાં રેકોર્ડ્સ પ્રત્યેના લગાવ અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી. તેમના મતે, ભારતીય ચાહકો અને ખેલાડીઓમાં રેકોર્ડ્સનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. તેમણે એવી ટિપ્પણી પણ કરી હતી કે ઘણા લોકો રેકોર્ડ માટે રમતા ન હોવાની વાત કરે છે, પરંતુ દરેક ખેલાડીની ક્ષમતા અને સ્વભાવ અલગ હોય છે.
વિરાટ કોહલીની સિદ્ધિ અંગે ગાવસ્કરે કહ્યું હતું કે દરેક ભારતીય ક્રિકેટ ચાહક તેને ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદીઓ પૂરી કરતો જાેવા ઇચ્છે છે. જાે કોઈ પ્રસંગે સાથી ખેલાડી પોતાના વ્યક્તિગત રન કરતાં કોહલીની ઐતિહાસિક સિદ્ધિને પ્રાથમિકતા આપે તો તે સમગ્ર ભારતીય ક્રિકેટ જગત માટે આનંદની ક્ષણ બની શકે છે.
વિરાટ કોહલીના નામે અત્યાર સુધી ૮૬ આંતરરાષ્ટ્રીય સદીઓ નોંધાયેલી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બીજી તરફ, સચિન તેંડુલકરના નામે ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદીઓનો વિશ્વવિક્રમ છે. આ રીતે કોહલી સચિનના ઐતિહાસિક રેકોર્ડથી ૧૪ સદી દૂર છે. કોહલી હવે મુખ્યત્વે વનડે ક્રિકેટમાં સક્રિય હોવાથી તેની આગામી સદીઓ પર ચાહકોની નજર રહેશે.




