
૩.૪૧ લાખ કરોડનું સંચિત નુકસાન દેશમાં પહેલીવાર વીજ વિતરણ કંપનીઓનું વ્યાપક ઓડિટ ૩૯ સરકારી ડિસ્કોમ અને પાંચ પાવર વિભાગોના છેલ્લા પાંચ વર્ષના હિસાબની તપાસ કરવામાં આવશે
દેશની વીજ વિતરણ કંપનીઓના કામકાજ અને નાણાકીય સ્થિતિની હવે વ્યાપક તપાસ થવા જઈ રહી છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) દ્વારા દેશમાં પહેલીવાર વીજ કંપનીઓનું એકસાથે ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે. શરૂઆતના તબક્કામાં ૩૯ સરકારી ડિસ્કોમ અને પાંચ પાવર વિભાગને તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન છેલ્લા પાંચ વર્ષના નાણાકીય અને કામગીરી સંબંધિત આંકડાઓની ચકાસણી કરવામાં આવશે.
વીજ ક્ષેત્રની નાણાકીય સ્થિતિ પણ ઓડિટનો મહત્વનો હિસ્સો રહેશે. માર્ચ ૨૦૨૫ સુધીમાં સંબંધિત ડિસ્કોમનું સંચિત નુકસાન રૂ.૩.૪૧ લાખ કરોડથી વધુ હોવાનું જણાવાયું છે, જ્યારે કંપનીઓ પર કુલ દેવું રૂ.૭.૨૬ લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ દેવા પર દર વર્ષે અંદાજે રૂ.૭૭,૬૫૩ કરોડનું વ્યાજ ચૂકવવામાં આવે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૪૧ ડિસ્કોમને મળીને રૂ.૩૨,૬૬૧ કરોડનો નફો થયો હતો, જ્યારે ૨૩ ડિસ્કોમને રૂ.૨૯,૯૫૯ કરોડનું નુકસાન નોંધાયું હતું. આ વિસંગતતા પાછળના કારણો પણ ઓડિટમાં તપાસવામાં આવશે.
CAG ઓડિટમાં માત્ર નાણાકીય હિસાબ નહીં, પરંતુ વીજળીની ચોરી, મીટરિંગ વ્યવસ્થા, બિલિંગ અને બિલની વસૂલાત તેમજ ગ્રાહકોને આપવામાં આવતા વીજ પુરવઠાની ગુણવત્તા પણ તપાસવામાં આવશે. દેશભરમાં વિવિધ કેટેગરીના આશરે ૧૦ હજાર ગ્રાહકો પાસેથી સીધો પ્રતિસાદ મેળવવામાં આવશે. તેના આધારે વીજ સેવાઓની ગુણવત્તા અને ગ્રાહક સંતોષનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ઓડિટમાં કેન્દ્ર સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS)ના અમલીકરણ અને તેના પરિણામોનું પણ મૂલ્યાંકન થશે. યોજનાના હેતુ મુજબ વીજ વિતરણ વ્યવસ્થામાં સુધારો થયો કે નહીં અને નાણાકીય સહાયનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
આ સમગ્ર રાષ્ટ્રીય ઓડિટ આગામી ચાર વર્ષમાં તબક્કાવાર પૂર્ણ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં ડિસ્કોમ બાદ ટ્રાન્સમિશન, વીજ ઉત્પાદન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને પણ ઓડિટના દાયરામાં લેવામાં આવશે.
CAG પ્રારંભિક નિરીક્ષણમાં એવું પણ સામે આવ્યું છે કે કેપિટલ ગ્રાન્ટની સરખામણીએ રેવન્યુ ગ્રાન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી સહાયનો મોટો હિસ્સો નવા રોકાણ કરતાં નુકસાનની ભરપાઈ, દેવાની ચુકવણી અને વ્યાજના ખર્ચમાં વપરાઈ રહ્યો હોવાના મુદ્દે પણ તપાસ થશે.
રાજ્યસ્તરીય ઓડિટના અહેવાલ આગામી વર્ષે સંબંધિત રાજ્યોની વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. જ્યારે દેશવ્યાપી નીતિગત ખામીઓ અને વ્યવસ્થામાં જરૂરી સુધારા અંગેના મુદ્દાઓ કેન્દ્રીય વીજ મંત્રાલય સમક્ષ મૂકવામાં આવશે. આ ઓડિટ બાદ વીજ વિતરણ ક્ષેત્રની નાણાકીય શિસ્ત, ગ્રાહક સેવા અને વીજ ચોરી રોકવાની વ્યવસ્થામાં મોટા સુધારાની દિશા નક્કી થઈ શકે છે.




