
૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે કાર્યક્રમ દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટમાં ચાર ગીતો પર પ્રતિબંધ મુકવાની માંગ લાઈવ કોન્સર્ટને લઈને જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખી રજૂ કરી માગણી
પંજાબી ગાયક દિલજીત દોસાંજના અમદાવાદમાં યોજાનારા લાઇવ કોન્સર્ટ પહેલાં નવો વિવાદ ઊભો થયો છે. આગામી ૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગાયકનાં ચાર લોકપ્રિય ગીતો રજૂ કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલજીત દોસાંજ હાલ દેશનાં વિવિધ શહેરોમાં લાઇવ કોન્સર્ટ કરી રહ્યો છે.
અમદાવાદમાં તેના કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ ચાર ગીતોના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો છે. પત્રમાં જણાવ્યા મુજબ, આ ગીતોમાં દારૂ, નશીલા પદાર્થો અને હથિયારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બાળકો અને યુવાનો પર નકારાત્મક અસર કરી શકે છે.
જે ચાર ગીતો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમાં પટિયાલા પેગ, પાંચ તારા ઠેકે, જેબ વીચો ફીમ અને જટ ફાયર કરદાંનો સમાવેશ થાય છે. પત્રમાં આ ગીતો મૂળ શબ્દો ઉપરાંત શબ્દોમાં ફેરફાર કરીને પણ રજૂ ન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત કોન્સર્ટ દરમિયાન અત્યંત ઊંચા અવાજે સંગીત વગાડવું, ચમકતી લાઇટોનો ઉપયોગ કરવો અને બાળકોને સ્ટેજ પર બોલાવવા જેવી બાબતો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બાળકોના હિત અને તેમના પર થતી સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવાની રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંજના કાર્યક્રમને લઈને અગાઉ દિલ્હીમાં પણ વિવાદો સર્જાયા હતા. હવે અમદાવાદના કોન્સર્ટ પહેલાં ચાર ગીતો પર પ્રતિબંધની માંગ થતાં કાર્યક્રમ ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ, ઇન્દોરમાં ૧૫ નવેમ્બરે યોજાનારા દિલજીતના કોન્સર્ટ પહેલાં શહેરની ત્રણ બેંકો અને મેયર સેક્રેટરિયેટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.




