
પ્રશાંત કિશોરના નિવેદનથી બિહારમાં રાજકારણ ગરમાયું બ્રાહ્મણો કીડી પણ મારી નથી શકતા અને મુસ્લિમોને ગાળો લખે છે રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભાએ પણ જાહેર મંચ પરથી કરાયેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે
બિહારમાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરના બ્રાહ્મણ સમાજ અંગેના એક નિવેદનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. દરભંગામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે બ્રાહ્મણ સમાજની રાજકીય ભૂમિકા અને ભાજપ સાથેના જાેડાણ અંગે ટિપ્પણી કરી હતી. તેમના નિવેદન બાદ ભાજપના નેતાઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે, જ્યારે રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભાએ પણ જાહેર મંચ પરથી કરાયેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે.
૫ નવેમ્બરે દરભંગામાં મૈથિલ બુદ્ધિજીવી વિચાર સંગોષ્ઠીમાં પ્રશાંત કિશોરને ચૂંટણીમાં બ્રાહ્મણોને વધુ ટિકિટ આપવાની માગ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી વિસ્તારમાં બ્રાહ્મણ ધારાસભ્યો અને સાંસદો રહ્યા છે, તેમ છતાં સમાજની સમસ્યાઓ યથાવત્ છે.
તેમણે દાવો કર્યો હતો કે અગાઉ બ્રાહ્મણ ઉમેદવારોને મુસ્લિમ સમાજના મતોનો લાભ મળતો હતો, પરંતુ ભાજપનો ઝંડો ઉઠાવ્યા બાદ આ સમર્થનમાં ઘટાડો થયો છે. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે બ્રાહ્મણ અને મુસ્લિમ સમાજ વચ્ચે અનામત, જમીન કે અન્ય મુદ્દાઓને લઈને સીધો સંઘર્ષ ન હોવા છતાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો મુસ્લિમો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કેમ કરે છે.પ્રશાંત કિશોરે બ્રાહ્મણ સમાજને પોતાની પરંપરાગત ઓળખ અને શિક્ષણ સાથે જાેડાયેલી ભૂમિકા જાળવી રાખવાની સલાહ આપી હતી. તેમણે બ્રાહ્મણોની તાકાત તરીકે કલમ અને સરસ્વતીનો ઉલ્લેખ કર્યો હતો અને હથિયાર આધારિત રાજનીતિથી દૂર રહેવાની વાત કરી હતી.
નિવેદન બાદ ભાજપ નેતા મૃત્યુજય તિવારીએ પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું અને તેમના નિવેદનને રાજકીય હતાશાનું પરિણામ ગણાવ્યું. બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ પણ પ્રશાંત કિશોરને બ્રાહ્મણ સમાજને ‘બક્ષી દેવાની’ સલાહ આપી હતી. તેમણે બ્રાહ્મણ સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ઉલ્લેખ કરીને પ્રશાંત કિશોરની ટીકા કરી હતી.
રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભા ટ્રસ્ટના સ્થાપક આશુતોષ કુમાર ઝાએ પણ પ્રશાંત કિશોરની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે બ્રાહ્મણ સમાજ અંગે જાહેર મંચ પરથી કરવામાં આવેલી કટાક્ષભરી ટિપ્પણી નિંદનીય છે. તેમણે બ્રાહ્મણ સમાજના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કરતાં શાસ્ત્ર અને શસ્ત્ર બંને પરંપરાની વાત કરી હતી.
આ સમગ્ર વિવાદ વચ્ચે પ્રશાંત કિશોર પોતે પણ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. મિથિલા વિસ્તારમાં બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોનું રાજકીય મહત્વ રહેલું છે. તેથી તેમના નિવેદનને માત્ર સામાજિક ટિપ્પણી તરીકે નહીં પરંતુ ભવિષ્યની રાજકીય વ્યૂહરચના સાથે પણ જાેડીને જાેવામાં આવી રહ્યું છે. જન સુરાજ આ બંને સમુદાયો વચ્ચે નવું રાજકીય સમીકરણ બનાવવાનો પ્રયાસ કરે છે કે નહીં, તેના પર આગામી સમયમાં રાજકીય વર્તુળોની નજર રહેશે




