
ભાજપના OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મળી જગ્યા ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જાેડાયો; રાષ્ટ્રીય OBC મોરચામાં ખાસ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરાઈ ભારતીય ક્રિકેટ જગતમાં પોતાની લેગ સ્પિન અને ગુગલીથી જાણીતા બનેલા સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે હવે રાજકારણમાં નવી ઇનિંગ્સ શરૂ કરી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જાેડાયા બાદ તેને પાર્ટીના રાષ્ટ્રીય OBC મોરચાની કાર્યકારિણી સમિતિમાં ખાસ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ૨૧ નવેમ્બરના રોજ OBC મોરચાની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ચહલના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નિર્દેશ અનુસાર OBC મોરચાની નવી ટીમમાં વિવિધ હોદ્દાઓ પર નિમણૂકો કરવામાં આવી છે. આ યાદીમાં યુઝવેન્દ્ર ચહલને ખાસ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન મળ્યું છે. OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અમરપાલ મૌર્ય દ્વારા ચહલને સંગઠનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, ચહલે અગાઉ અમરપાલ મૌર્ય સાથે મુલાકાત કરી હતી અને રાજકારણમાં જાેડાઈને ભાજપ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેને રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રાજકીય સંગઠનોમાં ખાસ આમંત્રિત સભ્યનું પદ સામાન્ય પદાધિકારીઓથી અલગ હોય છે. આવા સભ્યોને સંગઠનની મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તેઓ સંગઠનની કામગીરીમાં ભાગ લઈ શકે છે, જાેકે તેમની જવાબદારીઓ નિયમિત હોદ્દેદારો જેવી હોતી નથી. ચહલને આ પદ પર કઈ વિશેષ જવાબદારી સોંપવામાં આવશે તે અંગે હજુ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ભાજપમાં સ્થાન મળ્યા બાદ યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરપાલ મૌર્યનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપ પરિવારમાં સ્થાન અને સન્માન આપવા બદલ તેણે સૌનો આભાર માન્યો હતો.
યુઝવેન્દ્ર ચહલ ભારતીય ક્રિકેટ ટીમનો જાણીતો લેગ સ્પિનર છે. તેણે વનડે અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આઈપીએલમાં પણ તેની બોલિંગનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. પોતાની ચતુરાઈભરી સ્પિન બોલિંગથી અનેક દિગ્ગજ બેટરોને મુશ્કેલીમાં મૂકનાર ચહલ હવે ક્રિકેટની સાથે રાજકીય ક્ષેત્રે પણ નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. તેના રાજકારણમાં પ્રવેશને કારણે ક્રિકેટ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.




