
૧૫ વર્ષની ધીરજ ફળી પંજાબના ટ્રક ડ્રાઈવરને રૂ. ૧૨ કરોડનો જેકપોટ લાગ્યો પરિવારથી છાનામાના તહેવારો પર ટિકિટ ખરીદતા મોહાલીના બલજિન્દર સિંહનું નસીબ ૫૦૦ની દિવાળી બમ્પર લોટરીથી ચમક્યું
કિસ્મત ક્યારે અને કેવી રીતે પલટો મારે તે કોઈ કહી શકતું નથી, તેવી જ એક પ્રેરણાદાયી અને રસપ્રદ ઘટના પંજાબના મોહાલી જિલ્લામાં સામે આવી છે. છેલ્લા ૧૫ વર્ષથી પરિવારને જાણ કર્યા વિના તહેવારો પર નિયમિત લોટરીની ટિકિટ ખરીદતા એક સામાન્ય ટિપર ટ્રક ડ્રાઈવર બલજિન્દર સિંહને ‘પંજાબ સ્ટેટ ડિયર દિવાળી બમ્પર ૨૦૨૬‘ લોટરીમાં રૂ. ૧૨ કરોડનું પ્રથમ ઈનામ લાગ્યું છે. માત્ર રૂ. ૫૦૦ની ટિકિટે તેમના પરિવારનું જીવન રાતોરાત બદલી નાખ્યું છે.
મોહાલીના ડેરાબસ્સી વિસ્તારના હમ્યૂંપુર ગામના રહેવાસી બલજિન્દર સિંહ ટિપર ટ્રક ચલાવીને અને થોડી ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.
બલજિન્દરે જણાવ્યું હતું કે, “હું વર્ષ ૨૦૧૦થી દર તહેવારના અવસરે લોટરીની ટિકિટ ખરીદતો હતો. મને હંમેશા વિશ્વાસ હતો કે એક દિવસ ભગવાન મારી પ્રાર્થના સાંભળશે, જાેકે મેં મારી આ આદત વિશે ઘરના કોઈ સભ્યને જાણ થવા દીધી ન હતી.”તેમણે આ વિજેતા ટિકિટ મોહાલીના જીરકપુર ખાતેની એક દુકાનમાંથી ખરીદી હતી.
ગત ૧૬ નવેમ્બરે યોજાયેલા દિવાળી બમ્પર ડ્રોના પરિણામની જાણ બલજિન્દરને સોમવારે રાત્રે થઈ હતી. મંગળવારે તેમણે લોટરી વિભાગની કચેરીએ પહોંચીને ઈનામની રકમ મેળવવા માટેની જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. આ ઐતિહાસિક જીત બાદ ભાવુક થયેલા બલજિન્દરે જણાવ્યું કે, તેઓ આ રકમનો મોટો હિસ્સો પોતાના બંને બાળકોના ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય પાછળ ખર્ચ કરશે.
બલજિન્દરને રૂ. ૧૨ કરોડની લોટરી લાગી હોવાના સમાચાર ગામમાં ફેલાતા જ ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ તેમના ઘરે ઉમટી પડીને પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર ગામમાં મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.




