
APEC સમિટમાં ભાગ લેવા ચીન મુલાકાત ટ્રમ્પ ચીન પહોંચ્યા, એરપોર્ટ પર જિનપિંગે કર્યું ભવ્ય સ્વાગત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ત્રિપક્ષીય બેઠક અને પરમાણુ હથિયારો સહિતના મુદ્દે ચર્ચા થવાની શક્યતા અમેરિકા અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતી મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ચીન પહોંચ્યા હતા. એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC ) સમિટમાં ભાગ લેવા આવેલા ટ્રમ્પનું દક્ષિણ ચીનના શેનઝેન એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્વાગત કર્યું હતું. બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની આ મુલાકાત પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર મંડાયેલી છે. ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ત્રિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પે પરમાણુ હથિયારો પર નિયંત્રણ અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જાેકે, ટ્રમ્પના કેટલાક સહયોગીઓએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે સંભવિત ત્રિપક્ષીય બેઠકના એજન્ડામાં યુક્રેન યુદ્ધનો સમાવેશ નહીં થાય. ટ્રમ્પે મંગળવારે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે કરારની શક્યતા ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચે સમજૂતીની દિશામાં પ્રગતિ થઈ શકે છે અને આ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ચીન પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉન સાથે અલગ બેઠક યોજવાની સંભાવના અંગે પણ ટ્રમ્પે સંકેત આપ્યો હતો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ઉત્તર કોરિયા સાથેના તણાવને ઘટાડવા અને ચર્ચા કરવા માટે તૈયાર છે. જાેકે, રુબિયોએ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રમ્પ અને કિમ જાેંગ ઉન વચ્ચે ગુરુવારે કોઈ બેઠક નિશ્ચિત થઈ નથી. તેમણે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના નેતા સાથે મુલાકાત અને ચર્ચા કરવા ઇચ્છુક છે, જેમ તેમણે પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ પ્રયાસ કર્યો હતો. ચીન પહોંચતા પહેલાં ટ્રમ્પે ફિલિપાઇન્સની મુલાકાત લીધી હતી. મનીલામાં ASEAN સમિટ અને ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લીધા બાદ તેમણે ફિલિપાઇન્સ સાથે નવા વેપાર કરારની જાહેરાત કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ફિલિપાઇન્સ સાથે વેપાર, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ છે. તેમણે આ નવા કરારને ઐતિહાસિક ગણાવ્યો હતો અને ખાસ કરીને અમેરિકાના ખેડૂતો તથા ઊર્જા ક્ષેત્રને તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસની પ્રશંસા કરતાં તેમની સાથે મુલાકાતને સન્માનજનક ગણાવી હતી. APEC સમિટના માધ્યમથી ટ્રમ્પની ચીન મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધો પૂરતી મર્યાદિત નથી. વેપાર, રાષ્ટ્રીય સુરક્ષા, પરમાણુ શસ્ત્રો અને વૈશ્વિક સંઘર્ષો જેવા મુદ્દાઓ પર થનારી ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. હવે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની બેઠકમાં કયા મુદ્દાઓ પર સહમતી સધાય છે તેના પર વિશ્વની નજર રહેશે.




