
વિકીનો સાથ કેટરિના માટે બન્યો મોટો આધાર કેટરિનાએ વિકી કૌશલને ગણાવ્યો પોતાની અશાંતિમાં શાંતિ લાવનાર જીવનસાથી માતૃત્વ, અભિનય અને બિઝનેસની જવાબદારીઓ વચ્ચે વિકીનો સહયોગ કેટરિના માટે બન્યો મજબૂત આધાર સ્તંભ કેટરિના કૈફે તાજેતરમાં પોતાનાં વ્યવસાય, અભિનય કારકિર્દી, લગ્નજીવન અને માતૃત્વ વચ્ચે સંતુલન જાળવવાના પડકારો વિશે વાત કરી હતી. આ સાથે તેણે પતિ વિકી કૌશલના સહયોગના પણ વખાણ કર્યા હતા. કેટરિના પોતાની બ્યૂટી બ્રાન્ડ ‘કે બ્યૂટી’નું સંચાલન કરવાની સાથે અભિનય ક્ષેત્રે પણ સક્રિય છે. તેણે જણાવ્યું કે કામ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવામાં વિકીનો સાથ તેના માટે ખૂબ મહત્ત્વનો છે. કેટરિનાએ વિકી માટે કહ્યું હતું કે, “તે મારી અશાંતિમાં શાંતિ સમાન છે.”કેટરિના તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે ૨૦૧૯માં ભારતમાં શરૂ કરેલી પોતાની બ્યૂટી બ્રાન્ડ ‘કે બ્યૂટી’ના વિકાસ અને તેના વિસ્તરણ વિશે વાત કરી હતી. વ્યવસાય સંભાળવા માટે લાગતા સમય અને મહેનત વિશે વાત કરતાં કેટરિનાએ કહ્યું “બ્રાન્ડને અહીં સુધી પહોંચાડવા માટે ઘણો સમય આપવો પડે છે. કલાકો ગણવા શક્ય નથી. જાેકે, કલાકો ગણનાર એક વ્યક્તિ છે અને તે મારા પતિ છે. તેઓ મને ફોન મુકી દેવાનું કહેતા રહે છે. પરંતુ જ્યારે કામ પ્રત્યે જુસ્સો હોય ત્યારે સમયનું ભાન રહેતું નથી. ઘણીવાર રવિવારે પણ કામ અંગે ચર્ચા કરીએ છીએ. અમે બંને માતૃત્વના તબક્કામાં નવાં છીએ, છતાં શનિવાર અને રવિવારે પણ કામની વાતો થતી રહે છે.”અભિનેત્રી, ઉદ્યોગસાહસિક, પત્ની અને માતા તરીકેની વિવિધ ભૂમિકાઓ વચ્ચે સંતુલન જાળવવા અંગે કેટરિનાએ કહ્યું “મારા પતિ ઘણો સહકાર અને મદદ કરે છે. તે મારી અશાંતિમાં શાંતિ સમાન છે. અત્યાર સુધીની આ સફર ખૂબ સુંદર રહી છે.”




