
ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનથી વિવાદ રામકથા રોકશો તો નમાજ અને ચર્ચની પ્રાર્થના પણ બંધ કરાવશો અખિલેશ યાદવના આક્ષેપોનો બાબા બાગેશ્વરે આપ્યો જવાબ; મથુરામાં ભવ્ય કૃષ્ણ મંદિર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડા ખાતે ચાલી રહેલી શ્રીરામ કથા દરમિયાન બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપેલા નિવેદનથી રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા કથા અને ધાર્મિક આયોજનો અંગે કરવામાં આવેલા સવાલોના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, જાે રામકથા રોકવાની માંગ કરવામાં આવે તો શું નમાજ અને ચર્ચમાં થતી પ્રાર્થનાઓ પણ બંધ કરાવવામાં આવશે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણ દરેક નાગરિકને પોતાના ધર્મના પ્રચાર અને પ્રસારનો અધિકાર આપે છે. કથા દ્વારા ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવાના આક્ષેપો અંગે તેમણે કહ્યું કે, તેમની કથાઓ માત્ર ચૂંટણીના સમયગાળા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્ષ દરમિયાન સતત યોજાતી રહે છે. તેમનો ઉદ્દેશ સનાતન ધર્મનો પ્રચાર કરવાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ અંગે અગાઉ કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ત્રણ કલાકની કથાને ત્રણ મિનિટની સોશિયલ મીડિયા રીલના આધારે સમજવી યોગ્ય નથી. તેમના મતે, કથાના નિવેદનનો એક ભાગ કાપીને રજૂ કરવામાં આવ્યો હોવાથી લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે. સમગ્ર સંદર્ભ સાંભળ્યા બાદ હકીકત સ્પષ્ટ થશે તેમ તેમણે જણાવ્યું હતું. રામ મંદિર બાદ મથુરામાં કૃષ્ણ મંદિર અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે રામ અને કૃષ્ણને એક જ પરંપરાના આરાધ્ય ગણાવ્યા હતા. તેમણે ૨૧ નવેમ્બરે બાંકે બિહારીનાં દર્શન કર્યા બાદ મથુરામાં ભવ્ય અને દિવ્ય કૃષ્ણ મંદિરના નિર્માણ માટે સંકલ્પ લેવાની વાત કરી હતી. આ સાથે તેમણે ‘કૃષ્ણ લલા હમ આયેંગે, માખન મિશ્રી ખાયેંગે‘નો નારો પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રતાપગઢના કુંડા વિસ્તારના બેંતી રાજભવન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીની ત્રણ દિવસીય શ્રીરામ કથા ચાલી રહી છે. પ્રથમ દિવસે અંદાજે એક લાખ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હોવાનો આયોજકોનો દાવો છે. આગામી ૨૦ નવેમ્બરે અહીં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન આપવામાં આવેલા નિવેદનોને પગલે હવે આ કાર્યક્રમ અને તેના પર થતી રાજકીય પ્રતિક્રિયાઓ પર સૌની નજર રહેશે.




