Gujarat News: વિદ્યાર્થીઓ માટે કઠીન ગણાતા ગણિત વિષયનું પ્રશ્નપત્ર આજે એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં આજે યોજાયેલ સ્ટાન્ડર્ડ-બેઝીક ગણિતની પરીક્ષામાં જિલ્લાના ત્રણેય ઝોનમાં મળી કુલ-૯૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ૨૮,૩૫૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સોમવારના રોજથી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આજે ધો.૧૦માં સવારના સેશનમાં સ્ટાન્ડર્ડ-બેઝીક ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી. ગણિત વિષય મોટાભાગના વિદ્યાર્થીઓ માટે કઠિન હોઈ વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં સવારથી ચિંતા જોવા મળી હતી.
જો કે ધો.૧૦નું સ્ટાન્ડર્ડ-બેઝીક ગણિત વિષયનું પ્રશ્નપત્ર એકંદરે સરળ નીકળતા પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. આણંદ શહેરની ડી.એન. હાઈસ્કુલના શિક્ષણ તજજ્ઞા રાજુભાઈના જણાવ્યા મુજબ આજનું સ્ટાન્ડર્ડ-બેઝીક ગણિતનું પેપર વિદ્યાર્થીઓને અનુલક્ષીને કાઢવામાં આવ્યું હતું. બેઝીક ગણિતનું પેપર સરળ હતું જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં કેટલાક પ્રશ્નો બુધ્ધિ કસોટીના હતા અને વિદ્યાર્થીઓના વિચાર માંગી લે તેવા જનરલ ઓપ્શન સાથેના એક ગુણના પ્રશ્નો હતા.
આજે યોજાયેલ ધો.૧૦ની સ્ટાન્ડર્ડ-બેઝીક ગણિત વિષયની પરીક્ષામાં જિલ્લામાં નોંધાયેલ કુલ-૨૯,૩૧૭ વિદ્યાર્થીઓ પૈકી ૯૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર અને ૨૮,૩૫૧ વિદ્યાર્થીઓ હાજર નોંધાયા હતા. સાથે સાથે ધો.૧૦માં સવારના સેશનમાં સંસ્કૃત પ્રથમા વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં નોંધાયેલ કુલ-૨૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.બપોર બાદના સેશનમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં મળી કુલ-૭૧ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે ૪૭૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ-૧૧,૪૭૨ વિદ્યાર્થીઓ પૈકી ૧૦૨ ગેરહાજર અને ૧૧,૩૭૦ વિદ્યાર્થીઓ હાજર નોંધાયા હતા.
ધો.-12 ના પેપરમાં આણંદ ખાતે 4 કોપી કેસ પકડાયા
આણંદ : માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ધો.-૧૨ના અર્થશાસ્ત્રના પેપરમાં આજે આણંદ ઝોન-૩૬માં કુલ ૪ કોપી કેસ નોંધાયા હતા. જેમાં સરદાર પટેલ હાઈસ્કૂલ બામણગામમાં એક વિદ્યાર્થિની, ખંભાતના એસ.એ. રાવ સુપથ પરીક્ષા કેન્દ્ર ખાતે એક વિદ્યાર્થી જ્યારે આણંદના સાલ્વેશન આર્મી પરીક્ષા કેન્દ્ર ખાતે બે વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા હતા.
બામણવા ખાતે એક કોપી કેસ નોંધાયો
ધો.૧૦ની આજે યોજાયેલ ગણિત વિષયની પરીક્ષામાં આણંદ જિલ્લાના પેટલાદ ઝોનમાં આવેલ બામણવા ખાતેના લક્ષ હાઈસ્કુલ યુનિટ-૨ પરીક્ષા કેન્દ્રમાં એક વિદ્યાર્થી હાથ ઉપર લખાણ લખીને લાવ્યો હતો. પરીક્ષા સુપરવાઈઝરે તેને ઝડપી પાડતા કોપી કેસ નોંધાયો હતો. આમ ધો.૧૦માં આજે ગણિત વિષયમાં આણંદ જિલ્લામાં એક કોપી કેસ નોંધાયો હતો.