Virat Kohli: આઈપીએલ 2024ની 30મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચિન્નાસ્વામી મેદાન પર રમાઈ રહી છે. આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેટ્સમેન વિરાટ કોહલી સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 6 મેચ રમીને કુલ 319 રન બનાવ્યા છે. હાલમાં તે ઓરેન્જ કેપ ધારકોની યાદીમાં પ્રથમ સ્થાને છે. આ મેચ દરમિયાન તે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
વિરાટ કોહલી મોટા રેકોર્ડની નજીક
વિરાટ કોહલીએ 2007માં T20 ફોર્મેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યાર સુધી તેણે 382 મેચમાં 365 ઇનિંગ્સ રમીને 12,313 રન બનાવ્યા છે. T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલીનું નામ 5માં નંબર પર છે. આજની મેચમાં 7થી વધુ રન બનાવીને તે એલેક્સ હેલ્સનો રેકોર્ડ તોડીને ચોથા સ્થાને આવી શકે છે. એલેક્સ હેલ્સ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે રમે છે. તેણે T20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 12,319 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 2007 થી 2024 સુધી T20 ફોર્મેટમાં 93 અડધી સદી અને 9 સદીની ઇનિંગ્સ રમી છે. T20 ફોર્મેટમાં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં સૌથી વધુ 122 રન બનાવ્યા છે.
T20 ફોર્મેટમાં ક્રિસ ગેલનો દબદબો
ટી20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. તેણે 463 મેચમાં 455 ઇનિંગ્સ રમીને 14,562 રન બનાવ્યા છે. બીજા ક્રમે શોએબ મલિકે 542 મેચમાં 503 ઇનિંગ્સ રમીને 13,360 રન બનાવ્યા છે. કિરોન પોલાર્ડે આ ફોર્મેટમાં 660 મેચોમાં 586 ઇનિંગ્સ રમીને 12,900 રન બનાવ્યા છે.
આ યાદીના ટોપ 10 બેટ્સમેનોમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્માનું નામ પણ સામેલ છે. તેણે 2007માં તેની T20 કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યાર સુધી તે 432 મેચમાં 419 ઇનિંગ્સ રમીને 11,417 રન બનાવ્યા બાદ આઠમા સ્થાને છે.
IPL 2024ની 30મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધી 6માંથી 5 મેચ હારી ચૂક્યું છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 5માંથી 3 મેચ જીતીને ચોથા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ મેચ જીતવા માંગશે. વિરાટ કોહલી આ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે અને મોટો સ્કોર બનાવી શકે છે. આ સાથે તે T20 ફોર્મેટમાં વધુ એક રેકોર્ડ હાંસલ કરશે.