પાકિસ્તાને ગુરુવારે ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ચીનની મદદથી મલ્ટિ-મિશન કમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કર્યો છે. ઇસ્લામાબાદનો આ બીજો ઉપગ્રહ છે જે એક મહિનામાં અવકાશમાં મોકલવામાં આવ્યો છે. અગાઉ આઈક્યુબ કમર પેલોડ ચીનના ચંદ્રયાન મિશન સાથે મોકલવામાં આવ્યો હતો.
સેટેલાઇટ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો?
ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત સિચુઆનમાં આવેલા ઝિચાંગ સેટેલાઇટ સેન્ટરમાંથી મલ્ટિ-મિશન કમ્યુનિકેશન સેટેલાઇટ પાકસેટ એમએમ-1 લોન્ચ કરવામાં આવ્યો હતો, એમ ચાઇના ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. ઉપગ્રહ નિર્ધારિત ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયો છે. પાકિસ્તાન ટેલિવિઝનનું કહેવું છે કે આ સેટેલાઇટ વધુ સારી ઇન્ટરનેટ સુવિધા આપશે. તે ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ, સેલ્યુલર ફોન અને બ્રોડબેન્ડ સેવાને સુધારવામાં પણ મદદ કરશે.
સેટેલાઇટ ઓગસ્ટથી સેવા આપશે
ડોને કહ્યું કે સેટેલાઇટ ઓગસ્ટમાં સેવા આપવાનું શરૂ કરશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દેશવાસીઓને આના પર અભિનંદન પાઠવ્યા છે. એમ પણ કહ્યું કે તેઓને આશા છે કે આ સેટેલાઇટ દેશભરમાં ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે.
શું કહ્યું પીએમ શરીફે?
પીએમ શરીફે કહ્યું કે કોમ્યુનિકેશન સેટેલાઇટ માત્ર પાકિસ્તાની નાગરિકોના જીવનને સુધારશે નહીં પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ, ઈ-કોમર્સ અને ઈ-ગવર્નન્સને વધારવામાં પણ યોગદાન આપશે. તેમણે કહ્યું કે આ ચીન અને પાકિસ્તાન વચ્ચે મજબૂત સહયોગ અને ભાગીદારીનો પુરાવો છે.