રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે અમેરિકા અને બ્રિટનની સરકારોએ વ્લાદિમીર પુતિનના ખતરનાક ઈરાદાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. એવા અહેવાલો છે કે રશિયા અને ઈરાન વચ્ચે ગુપ્ત ડીલ થઈ છે. જેમાં રશિયા ઈરાનને પરમાણુ સંપન્ન દેશ બનાવવા માટે ગુપ્ત માહિતી અને ટેકનોલોજીથી મદદ કરી રહ્યું છે, તેના બદલામાં ઈરાન યુક્રેન સામેની લડાઈમાં રશિયાને બેલેસ્ટિક મિસાઈલો આપી રહ્યું છે. થોડા દિવસો પહેલા યુક્રેને પશ્ચિમી સાથી દેશોને ટૂંકા અંતરની મિસાઈલોમાં મદદ કરવા વિનંતી કરી હતી કારણ કે રશિયાને ઈરાન પાસેથી ફતાહ-360 સહિત ઘણી બેલેસ્ટિક મિસાઈલો મળી રહી છે.
આ બાબતથી પરિચિત અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ક્રેમલિન (રશિયા) એ તાજેતરના મહિનાઓમાં પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની તેની મહત્વાકાંક્ષાઓને લઈને ઈરાન સાથે તેના સહયોગમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે યુએસ અને યુકેના અધિકારીઓએ આ અઠવાડિયે વોશિંગ્ટનમાં આ મુદ્દે ચર્ચા કરી હતી. બ્રિટિશ વડાપ્રધાન સ્ટારર અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આને ચિંતાજનક ગણાવ્યું છે.
વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર બિડેનનું વહીવટીતંત્ર ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ અંગે ખૂબ જ ચિંતિત છે. પ્રવક્તાએ શનિવારે કહ્યું હતું કે બિડેને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ઈરાન દ્વારા કોઈપણ પરમાણુ ઉન્નતિને રોકવા માટે તેની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. બીજી તરફ, રશિયાના વિદેશ મંત્રાલય અને વિયેનામાં ઈરાની એમ્બેસીએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.
આ પહેલા અમેરિકા અને બ્રિટનના વિદેશ મંત્રીઓએ રશિયા અને ઈરાન વચ્ચેની નવી ડીલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે યુક્રેને આરોપ લગાવ્યો હતો કે ઈરાન રશિયાને બેલેસ્ટિક મિસાઈલો સપ્લાય કરી રહ્યું છે. જો કે, યુદ્ધ દરમિયાન રશિયા દ્વારા ઈરાની મિસાઈલોના ઉપયોગની પુષ્ટિ થઈ શકી નથી. અગાઉ રશિયા યુક્રેન હુમલામાં ઈરાની ડ્રોનનો ઉપયોગ કરી ચૂક્યું છે.
એન્ટની બ્લિંકન અને બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમી લંડનમાં વાતચીત દરમિયાન સંમત થયા હતા કે “ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ક્યારેય વધુ આગળ ન હતો,” યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શનિવારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. બીજી તરફ ઈરાન ભારપૂર્વક કહે છે કે તે પરમાણુ શસ્ત્રો બનાવવાનું વિચારી રહ્યું નથી, જોકે તેણે ચિંતા વ્યક્ત કરી છે કે તે ઈઝરાયેલ સાથે વધતા તણાવના જવાબમાં તેને બનાવી શકે છે.