રાજકોટ એટલે રંગીલુ શહેર, જ્યાં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અહીંયા નાનો પ્રસંગ હોય કે, મોટો પ્રસંગ હોય કે પછી હોય તહેવાર, દરેક પ્રસંગની ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે.
એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે, તેમ છતા રાજકોટીયન્સ પાછું વળીને ન જુએ. કારણ કે, રાજકોટીયન્સ દરેક તહેવારની ખૂબ સારી રીતે ઉજવણી કરે છે. ત્યારે દિવાળીનો તહેવાર આવી ગયો છે અને સૌ કોઈએ ધામધૂમપૂર્વક ઉજવણી શરૂ કરી દીધી છે. એમાં પણ દિવાળી અને નૂતન વર્ષનો તહેવાર મુખવાસ વગર અધુરો લાગે છે.
રાજકોટમાં અત્યારે મુખવાસની એટલી વેરાયટી મળી રહી છે કે, લોકો કયો મુખવાસ તેને લઈને મૂંઝવણમા મુકાઈ જાય છે. કારણ કે, રાજકોટમાં 300થી વધાર પ્રકારના મુખવાસ મળી રહ્યાં છે. આ વર્ષે મુખવાસના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો હોવા છતા લોકો મુખવાસ લેવા પડાપડી કરી રહ્યાં છે.
આપણે ત્યાં નવા વર્ષના દિવસે મહેમાનોનું સ્વાગત કરવામાં આવે ત્યારે મુખવાસ અને સાકર ખવડાવીને મોઢુ મીઠું કરાવે છે, જેથી આખું વર્ષ સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે ત્યારે દિવાળીનો તહેવાર આવતા જ લોકો મુખવાસની ખરીદી કરી રહ્યાં છે.
માર્કેટમાં અત્યારે 300થી વધારે પ્રકારના મુખવાસ મળી રહ્યાં છે. જેમ કે, પાન મુખવાસ, જામનગરી મુખવાસ, ચોકલેટ મુખવાસ, રજવાડી મુખવાસ, ગોટલી મુખવાસ, ખારો મુખવાસ, કલકતી મુખવાસ, વરીયાળીનો મુખવાસ, લખનવી મુખવાસ, સોપારી મુખવાસ, ફુદીના મુખવાસ, મરીબોલ મુખવાસ, રાજભોગ મુખવાસ સહિતના અલગ અલગ મુખવાસ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે.
આ મુખવાસના ભાવ 200 રૂપિયાથી લઈને 1000-1500 રૂપિયાના કિલો સુધીના મુખવાસ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. લોકો પણ આ દિવાળી અને નવા વર્ષના તહેવાર પર ઘરમાં મુખવાસ રાખવા માટે લોકો બજારમાં અત્યારે મુખવાસની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે.