દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકો હાલ ધૂમ ખરીદી કરી રહ્યા છે, બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આ તહેવાર વચ્ચે સસ્તો નફો રળી લેવા માટે ઘણી વખત વેપારીઓ ખરાબ ખાદ્યસામગ્રી પણ વેચતા હોવાનો અહેવાલ સામે આવ્યો છે, અમદાવાદ અને જામનગરમાંથી ડ્રાયફુટ અને ખજૂરમાંથી જીવાત નીકડવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં સાઉથ બોપલમાં આવેલા માઘવ ડ્રાયફુટમાંથી ઈયળ નીકળી
અમદાવાદમાં સાઉથ બોપલમાં આવેલા માઘવ ડ્રાયફુટમાંથી એક પરિવારે ડ્રાયફુટની ખરીદી કરી હતી, તેમાં જીવતી ઈયલો નીકડતા પરિવારને કડવો અનુભવ થયો હતો. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી પણ સામે આવી છે.
જામનગર શહેરમાં પટેલ કોલોનીમાં આવેલી બોમ્બે નમકીનમાંથી ઇયળ નીકળતા હોબાળો મચ્યો છે. નમકીનની દુકાનમાંથી ખરીદેલી ખજૂરમાંથી ઇયળ નીકળતા જ રોષે ભરાયેલા ગ્રાહકે દુકાનદાર સાથે ઉગ્ર વર્તન કર્યું હતું. જો કે કોર્પોરેશનના ફૂડ વિભાગ ઘટના સ્થળે પહોંચી ખજૂર અને દુકાનમાં તપાસ હાથ ધરી હતી. તહેવાર સમયે જ ખજૂરમાંથી ઇયળ નીકળતા લોકોમાં ભારે ચર્ચા થવા પામી છે. ઉલ્લેખનીય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે ક્યારે પગલાં લેવાશે તે હવે જોવાનું રહ્યું.