સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનને પગલે ડિસેમ્બર 2024 માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પ્લેયર ઑફ ધ મંથ માટે મંગળવારે નામાંકિત કરવામાં આવ્યો હતો. બુમરાહે ડિસેમ્બરમાં ત્રણ ટેસ્ટ રમી હતી. આ દરમિયાન તેણે 14.22ની એવરેજથી 22 વિકેટ ઝડપી હતી.
બુમરાહે 5 મેચમાં 32 વિકેટ લીધી હતી
31 વર્ષીય ફાસ્ટ બોલરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પાંચ ટેસ્ટમાં કુલ 32 વિકેટ લીધી હતી. તે 5 મેચની શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે 151.2 ઓવર ફેંકી હતી. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 13.06 હતી.
બુમરાહ સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટની બીજી ઈનિંગમાં કમરમાં જકડાઈ જવાને કારણે બોલિંગ કરી શક્યો નહોતો. બુમરાહે બ્રિસ્બેન અને મેલબોર્નમાં નવ-નવ વિકેટ લીધી હતી, જેના કારણે ભારત યજમાન ટીમને આકરો પડકાર આપવામાં સફળ રહ્યું હતું.
બુમરાહની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ODI અને T20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે. જોકે, તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમતા જોવા મળી શકે છે.
આ રેસમાં પેટ કમિન્સ પણ સામેલ છે
બુમરાહને મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કારની રેસમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ અને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેન પેટરસન તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે. કમિન્સે ડિસેમ્બરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 17.64ની એવરેજથી 17 વિકેટ લીધી હતી.