ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું બેટ છેલ્લા ઘણા મેચોથી શાંત છે, પરંતુ તેમની કેપ્ટનશીપને કારણે ભારતીય ટીમ ટી20 શ્રેણી જીતવામાં સફળ રહી છે. છતાં ઘણા ટીકાકારો હવે સૂર્યકુમારના શાંત બેટની ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી છે અને તેમને એબી ડી વિલિયર્સ કરતા વધુ ખતરનાક ગણાવ્યા છે.
માંજરેકરનું નિવેદન
એક ચર્ચા દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સૂર્યકુમાર યાદવે “મિસ્ટર 360” તરીકે એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે, ત્યારે માંજરેકરે કહ્યું, “હું હા કહીશ, કારણ કે સૂર્યકુમારનો મેચ જીતવાનો પ્રભાવ વધુ છે. એબી એક મહાન ખેલાડી હતો. તેની સરેરાશ 50 હતી. ટેસ્ટમાં અને વનડેમાં પણ તે મહાન હતો. પરંતુ જો આપણે ફક્ત T20 ની વાત કરીએ તો, IPL માં એબીની પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ થયો ન હતો. તે યોગ્ય સ્થાને બેટિંગ કરી શક્યો ન હતો. અને, મારે કહેવું જ જોઇએ કે તે ખોટી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો હતો. “જો તે બીજી કોઈ ટીમમાં હોત, તો કદાચ આપણે તેની સાચી મહાનતા જોઈ શક્યા હોત.”
સૂર્યના ફોર્મ પર સવાલ
તાજેતરના સમયમાં સૂર્યકુમાર યાદવનું T20 ફોર્મ ઘટ્યું છે. 2021માં ડેબ્યૂ કરનાર સૂર્યાએ શાનદાર શરૂઆત કરી અને 2022માં 31 મેચમાં 1164 રન બનાવ્યા, જેમાં તેની એવરેજ 46.56 અને સ્ટ્રાઈક રેટ 187.43 હતો.
2023માં પણ તેણે 18 મેચોમાં 48.86ની સરેરાશથી 733 રન બનાવ્યા હતા. પરંતુ 2024 માં, તેમના પ્રદર્શનમાં ઘટાડો થયો. તેણે 18 મેચમાં 26.81ની એવરેજથી 429 રન બનાવ્યા અને આ વર્ષે તેણે પોતાના બેટથી એકપણ સદી ફટકારી ન હતી. 2025 ની શરૂઆતની મેચોમાં પણ સૂર્યાનું બેટ શાંત છે.
ડી વિલિયર્સની IPL સફર
એબી ડી વિલિયર્સે 2008 માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) થી પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાં ત્રણ સીઝન વિતાવ્યા પછી, તે 2011 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાયો. RCB તરફથી 11 સીઝન રમીને તેણે 156 મેચોમાં 4491 રન બનાવ્યા, જેમાં બે સદી અને 37 અડધી સદી સામેલ છે.