આ વર્ષે જૂનમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો વચ્ચે કુલ 55 મેચો રમાવાની છે, જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર યોજાશે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા એક ટીમે ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ ટીમનો કેપ્ટન લાંબા સમય બાદ ખેલાડી તરીકે રમતા જોવા મળશે.
T20 વર્લ્ડ કપ પહેલા મોટો નિર્ણય
ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી ટી20 સીરીઝ રમવાની છે. બંને ટીમો વચ્ચે 3 T20 મેચ રમાશે. આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને મિચ સ્ટાર્ક તેમજ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ T20 ટીમમાં પરત ફર્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ શ્રેણીમાં મિચેલ માર્શ ટીમની કમાન સંભાળશે. આવી સ્થિતિમાં પેટ કમિન્સ એક ખેલાડી તરીકે આ શ્રેણીનો ભાગ હશે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે T20 વર્લ્ડ કપમાં કેપ્ટન કોણ હશે.
ટી20 ક્રિકેટર ઓફ ધ યર ટીમની બહાર
જેસન બેહરનડોર્ફ આ ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ સમારંભમાં જેસન બેહરેનડોર્ફને ઓસ્ટ્રેલિયાનો પુરૂષો T20 પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ સીન એબોટને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પેટ કમિન્સ અને મિચ સ્ટાર્કે આ બે બોલરોની જગ્યા લીધી છે. બીજી તરફ ડેવિડ વોર્નર પણ આ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની T20 ટીમ:
મિશેલ માર્શ (કેપ્ટન), પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.