
સવારે ૧૦થી ૪ વાગ્યા સુધીમાં ચેક જમા કરાવવો જરૂરી.ભારતમાં ચેકમાં અગાઉ માઈકર સીસ્ટમ અને બાદ ચેક એક દિવસમાં પાસ થાય તેવી ચેક ટ્રન્કેશન સીસ્ટમ (CTS) અમલમાં આવ્યા બાદ હવે સેઈમ ડે ક્લીયરીંગથી આગળ વધીને કન્ટીન્યુ અસ ક્લીયરીંગની પ્રથા આજ તા. ૪ ઓક્ટોબર ૨૦૨૫થી બેન્કોમાં શરૂ થઈ છે, જેમાં કલાકોમાં જ ચેકને પાસ કરી ધારકના ખાતામાં રકમ જમા થશે કે ચેક રિજેક્ટ કરવાપાત્ર જણાય તો રિજેક્ટ કરી દેવાશે.
રાજકોટના બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું કે ક્લીયરીંગ એક સમયે થતું તેના બદલે હવે સતત થશે અને આ માટે ખાતાધારક ચેક આપે તે સમયે તેની બેલેન્સ ચેક કરીને જ ચેક આપવો સલાહભર્યું છે. કારણ કે ચેક પાસ ઝડપથી થશે તેમ રિજેક્ટ પણ થઈ શકે છે.
નવી સિસ્ટમ મુજબ રાજ્યની દરેક બેન્કોમાં ચેક ખાતામાં સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધીમાં જમા કરાવવાનો રહેશે અને તે ચેક સ્કેન કરીને તુરંત જ ક્લીયરીંગ માટે તત્કાલ મોકલી દેવાશે. સવારે ૧૧ વાગ્યાથી દર કલાકે ક્લીયરીંગ હાથ ધરાશે અને પેઈંગ બેંક (ચેકની રકમ ચૂકવતી બેન્ક)એ ફરજીયાતપણે ચેકને સાંજે ૭ વાગ્યા સુધીમાં કન્ફર્મ કરવો પડશે અને જાે બેન્ક તેમ નહીં કરે તો ચેક આપોઆપ પાસ થઈ જશે. હાલ આ પ્રથાનો પ્રથમ તબક્કો કાલથી શરૂ થઈ રહ્યો છે અને તેની ટ્રાયલ રન પણ આજે લેવાઈ છે અને તા. ૩ જાન્યુઆરી ૨૦૨૬થી આથી આગળ વધી બેન્કોએ ૩ કલાકમાં જ ચેક અંગે ર્નિણય લઈ લેવાનો રહેશે. આ પ્રથાથી વ્યાપારીઓના બેન્ક વ્યવહારો ઝડપથી થવા સાથે ચેકનું સ્ટેટસ પણ ઝડપથી જાણી શકાશે.
બેન્કિંગ વ્યવહારમાં ચેકનો ઈતિહાસ સદીઓ જૂનો છે. સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણને હુંડી લખી હતી.
જ્યારે વર્તમાન પ્રથાની શરૂઆત ઈ.સ. ૧૭૧૭માં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ચેક લોન્ચ કરીને કરી પરંતુ, લંડનમાં પ્રથમ ક્લીયરીંગ હાઉસ ૧૮૩૩માં સ્થપાયું હતું. ભારતમાં ચેક માટે ૧૮૮૧માં નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ અમલમાં આવ્યો હતો.
