
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના માર્ગો પર ટ્રાફિક અમદાવાદ શહેર ખાલીખમ થવા લાગ્યું, રોડ મોટા લાગવા માંડ્યા ધનતેરસની પૂજા કરીને ઘણા લોકોએ મોડી સાંજે જ વતનની વાટ પકડી હતી, તો ઘણા લોકોએ કાળી ચૌદશની વહેલી સવારે અમદાવાદથી ઉપડી ગયા હતા ધનતેરસની પૂજા કરીને અમદાવાદીઓ ફરવા નીકળી ગયા છે. અમદાવાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો વસવાટ કરી રહ્યા છે તે તમામ લોકો વેકેશન પડતાં અને ધનતેરસની પૂજા કરીને દિવાળી વતનમાં કરવા માટે તેમણે વતનની વાટ પકડી લીધી છે. જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફના માર્ગાે પર ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આ ઉપરાંત ફરવા જવાના શોખીન અમદાવાદીઓ એ ઘણા દિવસો પહેલા જ પરિવાર કે મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન ઘડી દીધો હતો. તેઓ પણ દિવાળી વેકેશનમાં ટૂર પર નીકળી ગયા છે. જેને પગલે કાળી ચૌદશની સવારથી જ અમદાવાદ શહેર ખાલીખમ જાેવા મળી રહ્યું છે. ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ શહેરના તમામ ચાર રસ્તાઓ પર હવે ટ્રાફિક સિગ્નલ પર થોભવાની પણ જરૂર પડે નહીં તેટલો ઓછો ટ્રાફિક જાેવા મળી રહ્યો છે. નવરાત્રિથી જ લોકો દિવાળીની વાટ જાેતા હોય છે. દિવાળી એટલે પાંચ દિવસની રજાઓ. કોઈ જ કામધંધો નહીં, માત્ર પરિવાર કે મિત્રો અથવા પોતાના ગ્રૂપના અને મનગમતા માણસો સાથે પૂરતો સમય પસાર કરવાનો સમય. દિવાળીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધનતેરસની પૂજા કરીને લોકો દિવાળી કરવા માટે શહેરમાંથી પોતપોતાના વતન તરફ ઉપડી ગયા છે. ધનતેરસની પૂજા કરીને ઘણા લોકોએ મોડી સાંજે જ વતનની વાટ પકડી હતી. તો ઘણા લોકોએ કાળી ચૌદશની વહેલી સવારે અમદાવાદથી ઉપડી ગયા હતા. તંત્ર દ્વારા લોકોને વતન જવા માટે ખાસ સરકારી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાઈવેટ બસોમાં પણ બે-ત્રણ ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. જ્યારે જે લોકો પાસે પોતાની ગાડી કે વાહન છે તેઓ પોતાના
પ્રાઈવેટ વાહનોમાં વતન ઉપડી ગયા છે. આટલું જ નહીં, જે લોકોએ વતનમાં દિવાળી કરવા જવાનો પ્લાન ઘડ્યો નથી, તેઓ પરિવાર કે મિત્રો સાથે બહાર ફરવા નીકળી પડ્યા છે. જેને લઈને હાલ તો દેશભરના પ્રવાસન સ્થળો ગુજરાતી પ્રવાસીઓથી ભરાઈ ગયા છે. શનિ-રવિવારે અમદાવાદમાંથી લાખોની સંખ્યામાં લોકો રવાના થઈ જતાં શહેરની અડધી વસ્તી ખાલી થઈ ગઈ છે અને શહેર ખાલી ખાલી લાગી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ મહાનગરો અને નગરોમાં વસતા લોકો દિવાળી કરવા માટે ચાર-પાંચ દિવસ માટે પોતાના ગામડે પહોંચી ગયા છે. તેને પગલે ખાલીખમ રહેતા ગામડાં ભરચક બની ગયા છે. ઘણા ગામોમાં તો માત્ર વડીલો જ વસવાટ કરી રહ્યા છે. ગામના તમામ યુવાનો પરિવાર સાથે કામધંધા માટે વિદેશ કે મહાનગરોમાં જઈને વસવાટ કરી રહ્યા છે. જેને પગલે ગામ ખાલી રહેતા હોય છે, જાે કે દિવાળીમાં ફરીથી ગામડાંમાં રોનક આવી રહી છે.
