
વૈભવ સૂર્યવંશીની વિધ્વંશક બેટિંગવૈભવ સૂર્યવંશીએ ૩૨ બોલમાં સદી ફટકારી૧૪ વર્ષના સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીએ ફરી એક વાર વિસ્ફોટક બેટિંગ કરી બધાનું દિલ જીતી લીધું છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં આ ખૂંખાર બેટ્સમેને માત્ર ૩૨ બોલમાં સદી ફટકારી દીધી છે. તેણે પહેલા ૫૦ રન બનાવવા માટે ૧૭ બોલનો સામનો કર્યો. તેણે પોતાની ઇનિંગમાં ૧૫ છગ્ગા અને ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા.
ઇન્ડિયા છ યુએઈ સામે ૧૪ નવેમ્બરે રમાય રહેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ઇનિંગની શરૂઆત થતાની સાથે જ વૈભવે વિધ્વંશક બેટિંગ કરવાનું શરૂ કર્યું. તેણે મેદાનનો ખૂણે ખૂણો માપી લીધો. એક સમયે એવું લાગી રહ્યું હતુ કે, તે સરળતાથી બેવડી સદી ફટકારી દેશે. પરંતુ તે ૧૪૪ રન પર બાઉન્ડ્રી પર કેચ આઉટ થઈ ગયો.
વૈભવ સૂર્યવંશી માટે આ મેચ એટલા માટે ખાસ હતી કેમ કે, તેને ભારતની અંડર ૧૯ ટીમમાં પહેલીવાર સિનિયર લેવલની ટીમમાં પસંદ કરાયો હતો. જેમાં જિતેશ શર્મા, નમન ધીર જેવા ખેલાડી પણ સામેલ છે. એવામાં વૈભવ સૂર્યવંશી માટે આ ખાસ તક હતી અને પહેલી જ મેચમાં પોતાની બેટિંગથી બતાવી દીધું કે તે સિનિયર લેવલ પર રમવાની ક્ષમતા ધરાવે છે.
વૈભવ સૂર્યવંશીએ તોફાની શરૂઆત કરી હતી. તેણે માત્ર ૧૭ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના ૧૫ બોલમાં બાકીના ૫૦ રન ફટકારી દીધા. વૈભવ સૂર્યવંશીએ ૧૦મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારી પોતાની ટી૨૦ કરિયરની બીજી સદી પૂરી કરી. આ પહેલા તેણે આઈપીએલમાં ૩૪ બોલમાં રાજસ્થાન રોયલ્સ માટે સદી ફટકારી હતી. સદી સુધી પહોંચવા માટે વૈભવે ૧૦ ચોગ્ગા અને ૯ છગ્ગા ફટકાર્યા હતા.
ત્યાર પછી પાછળ વળીને તેણે જાેયું નહીં, પરંતુ ૧૩મી ઓવરમાં છગ્ગો મારવાના પ્રયત્નમાં તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થઈ ગયો. તેણે ૪૨ બોલમાં ૧૪૪ રનની તોફાની ઇનિંગ રમી. પોતાની ઇનિંગમા વૈભવે ૧૫ છગ્ગા અને ૧૧ ચોગ્ગા ફટકાર્યા. એટલે કે ૧૪૪માંથી ૧૩૪ રન માત્ર બાઉન્ડ્રી ફટકારીને બનાવ્યાં. વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઇક રેટ ૩૪૨.૮૫નો રહ્યો.




