
ગુજરાત ATS એ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ.પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ.અજય કુમાર સિંહ અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો હતો.દેશ વિરુદ્ધ જાસૂસી કરતા ૨ લોકોને ગુજરાત ATS એ દબોચી લીધા છે. આ બંનેની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓમાં દમણમાંથી મહિલા અને ગોવામાંથી પુરુષની ધરપકડ કરવામાં આવી છે. બન્ને પાકિસ્તાનના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ATS એ તપાસ કરતા આરોપી એ. કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો. પાકિસ્તાનના જાસૂસોને ગુપ્ત માહિતી પહોંચાડવા માટે એ.કે.સિંહ મદદ કરી રહ્યો હતો. જ્યારે મહિલાનું નામ રશ્માની રવિન્દ્ર પાલ છે.
પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા સંચાલિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ ગુજરાત એ.ટી.એસ. એ કર્યો છે. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ “અંકિતા શર્મા” ના ખોટા નામ હેઠળ ગોવાના અજયકુમાર સુરેન્દ્રસિંહ નામના નિવૃત્ત આર્મી સુબેદાર સાથે ૨૦૨૨માં સંપર્કમાં આવી હતી. જે બાદ તેની પાસેથી PIO દ્વારા અજયકુમાર પાસેથી આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ વગેરે માહિતી માગતી હતી. જે અંગે તેઓએ અધિકારીઓની બદલી અને જુદી જુદી યુનિટોની મુવમેન્ટ વગેરે માહિતી શેર કરી હતી. આ ઉપરાંત PIO એ અજયકુમારના મોબાઈલમાં ટ્રોઝન માલવેર ફાઇલ મોકલવામાં આવી હતી. જે અજયકુમારને મોબાઈલમાં સેવ કરી ઇન્સ્ટોલ કરવા જણાવ્યુ હતું જેથી વોટ્સએપ મારફતે તમામ સંવેદનશીલ માહિતી મોકલવાની જરૂર ન પડે અને PIO તેનો મોબાઈલ ડાયરેક્ટ એક્સેસ કરી શકે. આ કેસમાં વધુ તપાસ દરમ્યાન દમણમાં રહેતી રશ્માની રવિન્દ્ર પાલનું નામ સામેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.
રશ્માનીની પ્રાથમિક પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે પાકિસ્તાની હેન્ડલરો માટે તે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી.PIO અબ્દુલ સત્તાર અને ખાલીદ દ્વારા રાશમનીને નાણાકિય લાભના બદલામાં “પ્રિયા ઠાકુર” નામની ખોટી ઓળખ બનાવીને જે ભારતીય આર્મીના જવાનોની માહિતી સત્તાર અને ખાલીદ શેર કરે તેઓની સાથે મિત્રતા કરવા અને તેનાથી આર્મીની ખાનગી માહિતી મેળવવાની સુચના અપાઈ હતી. જે માટે સમયાંતરે તેને ઘણા બધા મોબાઈલ નંબરોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું, જે પૈકી તેણીએ સેનાની ગુપ્ત માહિતી માટે અમુક લોકોને ફસાવવાની કામગીરી કરેલ હતી.
રશ્માની ભારતીય આર્મી જવાનોને ફસાવવા હનીટ્રેપ અને સ્વીટ ટોકથી અધિકારીઓ પાસે માહિતી કઢાવતી. આ ઉપરાંત હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સની યુદ્ધ અભ્યાસ અને મુવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે રાશમની સત્તારના પાકિસ્તાની નંબર(+૯૨) સાથે સીધા સંપર્કમાં હતી. આ સાથે રાશમનીએ વિવિધ નાણાકિય વ્યવહારો દ્વારા રૂપિયા મેળવવા એરટેલ પેમેન્ટ બેન્કમાં નવું ખાતુ ખોલાવ્યુ હતું. આ તમામ માહિતી અંગેની વિગતો, આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટસએપ કોલ અને દસ્તાવેજાે અને નાણાકિય વ્યવહારોની વિગતો ઈસમોના મોબાઈલમાંથી મળી આવી છે. આ સાથે PIO ની IP એડ્રેસની ચકાસણી કરતા “અંકિતા શર્મા ઉર્ફે રાધિકા મુલતાન અને સરગોધા. પાકિસ્તાન ખાતેથી, “અબ્દુલ સત્તાર” લાહોર, પાકિસ્તાન ખાતેથી અને “ખાલીદ અને મલેશિયન નંબરનો ઉપયોગ કરી પાકિસ્તાન ખાતેથી ઓપરેટ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ ATS એ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.




