
ભારતની સૌથી નાની ટેરોટ કાર્ડ રીડર બની
“સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દુર રહો” : ઈશ્વરી શાહ
ભરૂચની ૧૭ વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરની ટેરોટ કાર્ડ રીડર બનીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિથી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. બાળપણથી જ ઈશ્વરીને આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક ઊર્જામાં રસ હતો. ધોરણ ૧૦ દરમિયાન જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયાથી પ્રેરિત થઈને તેણે ટેરોટ કાર્ડ રીડિંગમાં રસ કેળવ્યો. ત્યારથી તેણે આ ક્ષેત્રમાં સઘન મહેનત કરી નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વભ્રમણ કરવાનું છે, જ્યાં તે વિવિધ દેશોની સંસ્કૃતિ અને લોકોના સ્વભાવને સમજવા માંગે છે. તે ભારતના યુવાનોમાં સંસ્કારસભર અને વિકાસલક્ષી વિચારસરણી વિકસાવવામાં પણ યોગદાન આપવા ઈચ્છે છે.
યુવાનોને સંદેશ આપતાં ઈશ્વરીએ જણાવ્યું કે, “આજની પેઢી સોશિયલ મીડિયા અને મોબાઈલમાં ઘણો સમય વિતાવે છે. જાે યુવાનો વહેલી સવારે ઉઠવાની ટેવ પાડી પોતાની આંતરિક ઊર્જા,સર્જનાત્મકતા અને સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરે, તો જીવનની મોટી તકો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.” ઈશ્વરીની આ સિદ્ધિએ તેના પરિવાર, મિત્રો અને સમગ્ર ભરૂચ જિલ્લામાં ગર્વ અને આનંદની લાગણી પ્રસરાવી છે. તેણે સાબિત કર્યું છે કે નાની ઉંમરે પણ દ્રઢ નિશ્ચય, ઈચ્છાશક્તિ અને ક્ષમતા દ્વારા મોટા સપના સાકાર કરી શકાય છે.




