
સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી.અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યુંગૌચર નાબૂદ થતાં પશુપાલકોના પશુઓના ચરિયાણની જગ્યા ખતમ થઈ ગઈ હતી, જેથી માલધારીઓ નિરાધાર બન્યા હતા.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ અને મેંકડા ગામના સીમાડા પર માલધારી સમાજની લાંબી લડત બાદ આખરે ૬૦૦ વીઘા જેટલું રાજાશાહી વખતના ગૌચર પરનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાે કે, આ ખુશીની સાથે એક કડવી વાસ્તવિકતા પણ સામે આવી છે કે, ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી માલધારીઓએ પોતાના વ્હાલા પશુઓ વેચીને જમીન માપણીનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો.મળતી માહિતી અનુસાર, અમૃતવેલ અને મેંકડા ગામના સીમાડા પર આશરે ૬૦૦થી ૭૦૦ વીઘા જેટલું વિશાળ ગૌચર આવેલું હતું. સમય જતાં ખેડૂતો દ્વારા શેઢાઓ દબાવી દેવાયા અને ગૌચરની જમીન પર વાવેતર કરી દેવાયું. ગામમાં આશરે ૧ હજારથી વધુ પશુઓ છે, પરંતુ ગૌચર નાબૂદ થતાં પશુપાલકોના પશુઓના ચરિયાણની જગ્યા ખતમ થઈ ગઈ હતી, જેથી માલધારીઓ નિરાધાર બન્યા હતા.છેલ્લા ૨ વર્ષથી માલધારીઓ સતત તંત્ર સામે લડી રહ્યા હતા અને ગૌચરની જમીન પર દબાણ હટાવવાની માંગ કરી રહ્યા હતા. તેમની રજૂઆતો બાદ તંત્ર જાગ્યું અને ગૌચર ખુલ્લું કરવાની કામગીરી શરૂ થઈ. જમીન માપણી વિભાગની ટીમે ટ્રેક્ટરમાં પથ્થરના ખૂંટા લઈને મજૂરો સાથે પહોંચીને દબાણ કરાયેલા વિસ્તારોમાં ખૂંટા મારીને ગૌચરને સુરક્ષિત કર્યું હતું. અમૃતવેલ અને મેંકડાની સીમનું ૬૦૦ વીઘાનું ગૌચર ખુલ્લું થતાં માલધારી સમાજમાં ખુશાલીની લહેર જાેવા મળી છે.
આ ગૌચર મુક્ત કરાવવામાં આવેલી સૌથી દુ:ખદ બાબત એ છે કે, પંચાયત પાસે ભંડોળનો અભાવ: અમૃતવેલ ગ્રામ પંચાયત પાસે જમીન માપણી માટે જરૂરી સ્વભંડોળ (નાણાં) નહોતા. માલધારીઓએ પોતાના ‘વ્હાલસોયા માલઢોર‘ને વેચીને જમીન માપણી વિભાગના પૈસા ભરીને આ રકમ પંચાયતમાં જમા કરાવી હતી, જેના થકી ગૌચરની માપણી થઈ અને ખૂંટા નાખીને જમીન સુરક્ષિત થઈ.
ગૌચર ખુલ્લું થયા બાદ અમૃતવેલ ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર જાહેર નોટિસ મારીને સરપંચ દ્વારા દબાણકર્તાઓને સ્વેચ્છાએ જમીન ખાલી કરવાની અપીલ કરવામાં આવી છે. બે વર્ષની લડત બાદ ગૌચર સુરક્ષિત થયું તે રાહતની વાત છે, પરંતુ માલધારીઓએ સ્વખર્ચે આ કામગીરી કરાવવી પડી તે તંત્રની સ્વભંડોળની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.




