
ત્રણ ટેસ્ટ હારીને સીરિઝ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ભૂકંપ.ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા કોચ બદલવા માગ.ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બનાવવા ભલામણ કરી.ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સીરિઝમાં સતત ત્રણ ટેસ્ટ હારીને સીરિઝ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ભૂકંપ આવ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમની પ્રખ્યાત ‘બેઝબોલ’ વ્યૂહરચના ફ્લોપ સાબિત થતા હવે ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓએ જ ટીમના માર્ગદર્શક બદલવાની માંગ કરી છે. ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બનાવવાની જાેરદાર ભલામણ કરી છે.
મોન્ટી પાનેસરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડને હવે એવા કોચની જરૂર છે જે ઓસ્ટ્રેલિયાની નબળાઈઓને જાણતા હોય. પાનેસરે કહ્યું કે, ‘રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડ માટે સવર્શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે. તેમની પાસે ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરઆંગણે હરાવવાનો અનુભવ છે. રવિ શાસ્ત્રી જાણે છે કે ઓસ્ટ્રેલિયનો સામે માનસિક, શારીરિક અને વ્યૂહાત્મક રીતે કેવી રીતે લડવું. જાે ઇંગ્લેન્ડે આગળ વધવું હોય તો શાસ્ત્રીને જવાબદારી સોંપવી જાેઈએ.‘
ઉલ્લેખનીય છે કે, રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં જે હાંસલ કર્યું છે, તે અત્યાર સુધી અન્ય કોઈ એશિયન ટીમ કરી શકી નથી. તેનાના માર્ગદર્શન હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બે વાર હરાવ્યું. ૨૦૧૮-૧૯માં ભારતે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સીરિઝ જીતી. ૨૦૨૦-૨૧માં ૩૬ રનથી ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમે રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ શાનદાર વાપસી કરી, અને ઈજાઓથી સંઘર્ષ કરવા છતાં, ટીમ ઇતિહાસ રચવામાં સફળ રહી.
મે ૨૦૨૨માં બ્રેન્ડન મેક્કુલમ કોચ બન્યા ત્યારે તેમણે શરૂઆતમાં ૧૧માંથી ૧૦ ટેસ્ટ જીતીને તરખાટ મચાવ્યો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે . મેક્કુલમના નેતૃત્વમાં ઇંગ્લેન્ડ ભારત કે ઓસ્ટ્રેલિયા સામેની મોટી પાંચ મેચની સીરિઝ જીતવામાં નિષ્ફળ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન બોલરો સામે ઇંગ્લેન્ડની આક્રમક રમવાની શૈલી (Bazball) આત્મઘાતી સાબિત થઈ રહી છે.
બ્રેન્ડન મેક્કુલમનો કરાર ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી છે, પરંતુ એશિઝમાં ૦-૩થી પાછળ રહ્યા બાદ હવે જાે ઇંગ્લેન્ડ ૦-૫થી વ્હાઇટવોશ થાય, તો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) આકરા ર્નિણયો લેવા મજબૂર બની શકે છે. શું રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડના કોચ બનવાની ઓફર સ્વીકારશે? આ સવાલ અત્યારે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.




