
કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં.ગર્ભવતી માદા સહિત ૪ દીપડાના મોતથી ખળભળાટ.આ મામલો રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને વહીવટી જવાબદારી પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા.કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ વિસ્તારમાં ગેરકાયદે રીતે કરવામાં આવેલા રોક બ્લાસ્ટિંગની એક ગંભીર ઘટનામાં ચાર દીપડાના મોત થયા છે, જેમાં એક ગર્ભવતી માદા દીપડાનો પણ સમાવેશ થાય છે. યશવંતપુર વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા મંચનાબેલે પાસેના ચિક્કનહલ્લી વિસ્તારમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ વન્યજીવ સંરક્ષણ અને વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડાઓના મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય અને વહીવટી સ્તરે તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે.યશવંતપુરના ભાજપના ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે આ ઘટના પર આક્રોશ વ્યક્ત કરતા વન વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં સતત વન્યજીવોના મૃત્યુની ઘટનાઓ બની રહી છે, તેમ છતાં વિભાગ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે.સોમશેખરે આરોપ લગાવ્યો કે આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર બ્લાસ્ટિંગ ચાલી રહ્યું છે અને સંબંધિત મંત્રીઓ તથા અધિકારીઓ આ મામલે ગંભીર ઉદાસીનતા દાખવી રહ્યા છે. ધારાસભ્યએ એવો પણ દાવો કર્યાે કે તેમણે આ મુદ્દે વન મંત્રીનો સંપર્ક કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યાે, પરંતુ તેમના ફોનનો કોઈ જવાબ મળ્યો નહીં.ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, “આ ઘટનાને લઈને વન વિભાગને એક ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગ પર તાત્કાલિક રોક લગાવવા, દોષિતોને ઓળખી કાઢવા અને દીપડાઓના મોત માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.” આ મામલો રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને વહીવટી જવાબદારી પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરે છે.




