
વધુ એક યુદ્ધના ભણકારા!.અમેરિકા અને ઈઝરાયલે હુમલો કર્યો તો જડબાતોડ જવાબ મળશે : ઈરાન.ન્યૂક્લિયર પ્રોગ્રામ પર વાતચીત માટે ઈરાન તૈયાર.ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈઝરાયેલ અને અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. લેબનાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા અરાગચીએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમનો દેશ યુદ્ધ કરવા ઈચ્છતો નથી, પરંતુ જાે ફરીથી હુમલો કરવામાં આવશે તો ઈરાન વળતો જવાબ આપવા સંપૂર્ણ તૈયાર છે.
અબ્બાસ અરાઘચીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઈરાન તેના ન્યૂક્લિયર પ્રોગ્રામ બાબતે અમેરિકા સાથે ચર્ચા કરવા તૈયાર છે. જાેકે, તેમણે શરત મૂકી છે કે આ વાતચીત વોશિંગ્ટનના હુકમને બદલે પરસ્પર સન્માન અને હિતો પર આધારિત હોવી જાેઈએ. જાે અમેરિકા હકારાત્મક અભિગમ અપનાવશે તો તેના પરિણામો ફાયદાકારક રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
બીજી તરફ, ઈરાનમાં વધી રહેલી મોંઘવારી અને અધિકારો માટે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેસોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, જાે ઈરાની સત્તા નાગરિકો પરની હિંસા નહીં અટકાવે, તો અમેરિકા હસ્તક્ષેપ કરી શકે છે. ઈરાન સરકારે ટ્રમ્પના આ નિવેદનને ભ્રામક ગણાવીને તેને આંતરિક બાબતોમાં દખલગીરી ગણાવી ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, જૂન-૨૦૨૫માં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઘર્ષણ થયું હતું. અમેરિકાને આશંકા છે કે, ઈરાન દેશમાં ન્યુક્લિયર પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે. ત્યારે અમેરિકાએ ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં કૂદી ઈરાન સ્થિત ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. એકતરફ ઈરાનમાં સત્તા વિરોધી દેખાવો થઈ રહ્યા છે, તો બીજીતરફ અમેરિકાએ હુમલો કરવાની ધમકી આપી છે, જેને લઈને ઈરાનીઓમાં ફરી યુદ્ધનો ડર ઉભો થયો છે.




