
ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળા.ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર, કુલ આંકડો ૧૬૭ પર પહોંચ્યો.છેલ્લા ૨૪ કલાકમાં જ નવા ૧૪ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જાેવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટાઈફોઈડનો પ્રકોપ એટલી હદે વધ્યો છે કે કુલ કેસોની સંખ્યા હવે ૧૬૭ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ નવા ૧૪ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જાેકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૧૮ દર્દીઓને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમ છતાં, વધતા જતા કેસોને જાેતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
બીજી તરફ, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે શહેરમાં પૂરૂ પાડવામાં આવતું પાણી પીવાલાયક અને શુદ્ધ છે. મનપા દ્વારા અત્યાર સુધીમાં પાણીના નમૂના લઈ ૧૦૦૦ થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે તમામ રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાવાયું છે.
જાેકે, ગઈકાલના આંકડા મુજબ ૯ નવા કેસ નોંધાયા હતા અને હાલમાં પણ ૮૪ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તંત્ર દ્વારા પાણીના સ્ત્રોત તપાસવામાં આવી રહ્યા હોવા છતાં કેસ કેમ વધી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા અને પર્સનલ હાઈજીન જાળવવા અપીલ કરવામાં આવી છે.




