
સુરતથી અમદાવાદ હવે માત્ર અઢી કલાકમાં!.ભરૂચ-કીમ એક્સપ્રેસવે ખુલ્લો મુકાતા ટ્રાફિકજામમાંથી મળી મુક્તિ.હવે અમદાવાદથી સડસડાટ નવસારી જિલ્લાના ખારેશ સુધી એક્સપ્રેસ હાઈવે પર વાહન હંકારી શકાશે.દક્ષિણ ગુજરાતના નાગરિકોની વર્ષોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ભરૂચથી કીમ અને ત્યાંથી ખારેલ સુધીનો એક્સપ્રેસ હાઈવે કાર ચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવતા હવે સુરત અને અમદાવાદ વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટી ગયું છે.
શનિવારે બપોરે ૧૨ વાગ્યાથી ભરૂચ-કીમ અને ખારેલ વચ્ચેનો એક્સપ્રેસવે કાર માટે ખુલ્લો મુકાયો છે. આ સાથે જ હવે અમદાવાદથી સીધા નવસારી જિલ્લાના ખારેલ સુધી સડસડાટ વાહન હંકારી શકાશે. જાે તમારે વલસાડ, વાપી કે મુંબઈ તરફ જવું હોય, તો ખારેલથી માત્ર ૨ થી ૨.૫ કિલોમીટરનું અંતર કાપી જૂના નેશનલ હાઈવે ૪૮ પર જાેડાઈ શકાય છે.
આ હાઈવે શરૂ થવાથી મુસાફરોના સમયમાં મોટો બચાવ થશે. સુરત-અમદાવાદ હવે માત્ર ૨.૫ થી ૩ કલાકમાં પહોંચી શકાશે. ભરૂચ-કીમ પહેલા જ્યાં ૧ થી ૧.૫ કલાકનો સમય જતો હતો, ત્યાં હવે માત્ર ૨૦ થી ૨૫ મિનિટમાં પહોંચી શકાશે. અંકલેશ્વર, કીમ અને ભરૂચ પાસે થતા કાયમી ચક્કાજામમાંથી મુક્તિ મળશે. ભરૂચ, અંકલેશ્વર અને સુરતના ઉદ્યોગપતિઓ માટે આ સમાચાર ખૂબ જ રાહતરૂપ છે. માલ-સામાનની હેરાફેરી ઝડપી બનતા લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે. ખાસ કરીને નર્મદા નદીના પુલ પર થતા ટ્રાફિક જામની સમસ્યા હવે હળવી થશે, કારણ કે લાંબા અંતરના વાહનો એક્સપ્રેસવે પર ડાયવર્ટ થઈ જશે. હાલમાં આ એક્સપ્રેસવે પર મુસાફરી કરવા માટે વાહનચાલકોએ કોઈ પણ પ્રકારનો ટોલટેક્સ ચૂકવવો પડશે નહીં. એક્સપ્રેસવે પર પશુઓ કે સ્થાનિક લોકો પ્રવેશી ન શકે તેવી મજબૂત વ્યવસ્થા હોવાથી અકસ્માતની શક્યતાઓ નહિવત રહેશે. પેકેજ ૪, ૫, ૬ અને ૭ સંપૂર્ણપણે કાર્યરત કરી દેવાયા છે, જે હાલમાં માત્ર ફોર-વ્હીલર (કાર) માટે જ ખુલ્લા મુકવામાં આવ્યા છે.




