
ખેડૂતોની દશા બેઠી!.ટેકાના ભાવે મગફળી વેચાણના ૭ દિવસે પૈસા મળવાનો હતો વાયદો, હજુ નથી મળ્યા.રાજ્યના કૃષિમંત્રીએ અગાઉ જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થશે તેના પૈસા સાતમાં દિવસે મળી જશે.ગુજરાતના ખેડૂતોની તો જાણે દશા બેઠી છે. એક તો કમોસમી વરસાદે હાજા ગગડાવ્યા અને હવે જે પાક ટેકાના ભાવે વેચ્યો એના પણ પૈસા મળતા નથી. આ તે કેવું? ગુજરાતના એક લાખ જેટલા ખેડૂતોને ટેકાના ભાવે જે મગફળી વેચી હતી એના પૈસા મળ્યા નથી. ચોંકાવનારી વાત એ છે કે આ પૈસા ૭ દિવસમાં જ મળી જવાના હતા પરંતુ હજુ દોઢ મહિનો વિત્યો છતાં પૈસા હાથમાં આવ્યા નથી. અત્રે જણાવવાનું કે રાજ્યના કૃષિમંત્રી જિતુ વાઘાણીએ અગાઉ જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થશે તેના પૈસા ખેડૂતોને સાતમાં દિવસે મળી જશે. એટલે કે તેમના ખાતામાં પૈસા જમા થઈ જશે. પરંતુ હજુ આ ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી. ખેડૂતો રાહ જાેઈને બેઠા છે. અકળાયેલા ખેડૂતોએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જાે સાત દિવસમાં ખેડૂતોને પૈસા નહીં મળે તો લડત લડશે.
એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ટેકાના ભાવે ખરીદી મુદ્દે ખેડૂતો સાથે સરકાર રમત રમી ગઈ છે. અગાઉ ટેકાના ભાવે ખેડૂત દીઠ ૨૦૦ મણ મગફળીની ખરીદી થતી હતી જે હવે ૧૨૫ મણ કરવામાં આવી છે. ટેકાના ભાવે થનાર મગફળીની ખરીદીના પૈસા ખેડૂતોને સાતમા દિવસે ખાતામાં પહોંચી જશે એવું વચન અપાયું હતું પરંતુ દોઢ મહિનો વીતી ગયો છતાં ગુજરાતના એક લાખ જેટલા ખેડૂતોને હજુ સુધી પૈસા મળ્યા નથી.
ખેડૂતો પૈસા માટે ટેકાના કેન્દ્રોના પગથિયા પણ ઘસી ઘસીને થાકી ગયા. જવાબ મળે છે કે ઉપરથી જ્યારે પૈસા જમા થશે એટલે તમારા ખાતામાં આવશે. બીજી બાજુ કિસાન કોંગ્રેસનો દાવો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે નાફેડનું પોર્ટલ કામ કરતું નથી એટલે વિલંબ થાય છે. સરકારની જવાબદારી છે કે સાત દિવસમાં પૈસા ખેડૂતોના ખાતામાં જમા થાય. પોર્ટલ કામ કરે કે ન કરે ખેડૂતોને તેની સાથે કોઈ લેવાદેવા નથી.




