
ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં ગેરરીતિઓ.આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી ફફડાટ.ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ માટે ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો થઈ હતી.અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ અંતર્ગત ચાલતા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ માં મેડિકલ ઇક્વિપમેન્ટ ખરીદીનું કરોડો રૂપિયાનું કૌભાંડ હવે સામે આવી ગયું છે. કિડની વિભાગમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વિપુલ વસાવાની અધ્યક્ષતા બનેલી નવી ઈન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓની ટીમે કિડની હોસ્પિટલ અને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામની ઓફિસ પર સરપ્રાઇઝ વિઝિટ કરીને અધિકારીઓ-કર્મચારીઓની પૂછપરછ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો. આ સાથે તેમણે કેટલાક મહત્ત્વના દસ્તાવેજાે પણ કબજે લીધા હોવાનું જાણવા મળ્યું છે.
કિડની હોસ્પિટલમાં ચાલતા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ માટે ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો થઈ હતી. આ ફરિયાદો પછી એક કમિટીએ તપાસ હાથ ધરી હતી, જેની સામે ફરિયાદ થઈ હતી કે આ તપાસ જ અપૂરતી અને અધૂરી છે. આ અંગે આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, ઇન્ક્વાયરી કમિટી સામેની ફરિયાદ પછી આરોગ્ય વિભાગે નવી ઇન્ક્વાયરી ટીમ બનાવી હતી.
આ અંગે ગાંધીનગર આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરાઈ હતી કે, વર્ષ ૨૦૨૨થી આજદિન સુધી ચોક્કસ સપ્લાયરોને લાભ કરાવી આપવા જૂના ટેન્ડરને ચાર-ચાર વખત એક્સ્ટેન્શન અપાયું હતું. એટલું જ નહીં, નવા ટેન્ડર બહાર પાડી રહસ્યમય રીતે રદ પણ કરી દેવાયા હતા. આ રીતે ડાયાલિસિસ માટે જરૂરી ડાયાલાઇઝર બજાર ભાવ કરતાં નંગદીઠ રૂ.૯૦થી ૧૦૦ મોંઘા ભાવે ખરીદાયા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી તિજાેરીને અંદાજે રૂ.૧૦થી ૧૫ કરોડનું સીધું નુકસાન થયું હતું.
ચોંકાવનારી બાબત એ છે કે, આ ગેરરીતિ બાબતે રીતસર તપાસનું નાટક કરાયું હતું, જેમાં અસલી ગુનેગારો સામે અધૂરી તપાસ કરીને નાના કર્મચારીઓને ‘બલિનો બકરો’ બનાવી દેવાયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, ૨૦૨૪માં કેગની તપાસમાં હોસ્પિટલના હાલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી અને તત્કાલીન રેસિડેન્ટ મેડિકલ ઓફિસર સામે નિયમભંગ કરીને રૂ. ૯.૫ લાખ ભથ્થું લેવા તેમજ મેઈટેનન્સ કોન્ટ્રાક્ટ, કેન્ટિન અને લોન્ડ્રી જેવા કોન્ટ્રાક્ટમાં ખરીદ નીતિ અનુસર્યા વિના આપી દેવાયા હોવાની હકીકત પણ બહાર આવી હતી. આ તમામ બાબતોનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે.
આ અંગે આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વિપુલ વસાવાએ કહ્યું હતું કે, ‘અમે શનિવારે કિડની હોસ્પિટલ અને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામની બિલ્ડિંગની વિઝિટ કરી હતી. જાે કે, આ તપાસ કોન્ફિડેન્શિયલ હોવાથી હાલ કંઈ કહી શકાય એમ નથી.’
નોંધનીય છે કે, આ કૌભાંડના મૂળ સૂત્રધારને બચાવવાના પ્રયાસો થઈ રહ્યો હોવાનું કિડની હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે.
અગાઉની તપાસની તટસ્થતા સામે સવાલ ઉઠતા મામલો ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. ત્યાર પછી જ નવી ચાર સભ્યની તપાસ કમિટી રચવાના આદેશ અપાયા હતા. આ કમિટીમાં આરોગ્ય વિભાગના બે એડિશનલ ડિરેક્ટર, એક એકાઉન્ટ ઓફિસર અને એક ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ.ના પ્રોક્યોરમેન્ટ ઓફિસર સામેલ છે. હોસ્પિટલના સૂત્રો જણાવે છે કે, કેગના વાંધા, ત્રણ વાર રદ ટેન્ડર અને માર્ચ ૨૦૨૪થી સતત અપાતા એક્સ્ટેન્શને કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને સપ્લાયરો વચ્ચેની સાંઠગાંઠનો સ્પષ્ટ સંકેત મળે છે. હવે જાેવાનું એ છે કે, નવી કમિટી આ દિશામાં તપાસ કરે છે કે ફરી એકવાર મોટા માથાને બચાવવાની કવાયત કરીને નાના અધિકારીઓને કઠેડામાં ઊભા કરી દેવાય છે!




