
‘સાહેબ હું ખરેખર મરી જાઉં એ પહેલાં જીવતો કરી દો’ : વૃદ્ધની વ્યથા.પંચાયતે ૧૨ વર્ષ પહેલાં મારી નાખેલા ૮૦ વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત.મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં ૧૨ વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાતા આદિવાસી વયોવૃદ્ધ ધમીરા બેગાને સરકારી યોજનાનો લાભ મળતો નથી.મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના કરકેલી ગ્રામ પંચાયતનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પંચાયતે ૧૨ વર્ષ પહેલાં ધમીરા બેગા નામના વૃદ્ધને મૃત જાહેર કરી દીધા હતા. ખરેખર એ વૃદ્ધ જીવતા હતા. તેમણે પંચાયતને ભૂલ સુધારી લેવા માટે કેટલીય વખત જણાવ્યું છતાં રજિસ્ટરમાં સુધારો થયો નહીં. તેના કારણે આ વૃદ્ધને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કલેક્ટર પાસે આ મામલો પહોંચ્યો પછી કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો છે.કરકેલી ગ્રામ પંચાયતે ૧૨ વર્ષ પહેલાં ધમીરા બેગા નામના વૃદ્ધને મૃત જાહેર કરી દીધા હતા. એ વૃદ્ધ જીવતા હતા.
મૃત જાહેર કરી દેવાતા તેમને મળતી બધી જ સરકારી યોજનાઓ બંધ થઈ ગઈ. પેન્શન મળતું બંધ થઈ ગયું અને સરકારી રાશન પણ અટકી ગયું. એ વૃદ્ધે તપાસ કરતાં ખબર પડી કે તેમને મૃત જાહેર કરી દેવાયા છે. તેમણે પંચાયતને રજૂઆત કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો. તેમણે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો કરી, પરંતુ બધે જ એક જ જવાબ મળતો હતો કે પંચાયતમાં કહો કે ફરીથી નામ ઉમેરે. પરંતુ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીએ નામ ન ઉમેર્યું તે ન જ ઉમેર્યું.આ વાતને ૧૨-૧૨ વર્ષ વીતી ગયા. ધમીરા બેગા ૧૨-૧૨ વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ જ પરિણામ ન મળતાં આખરે કલેક્ટરના લોક દરબારમાં હાજર રહીને રજૂઆત કરી. તેમણે કલેક્ટરને આજીજી કરી : સાહેબ હવે તો હું મરી જવાનો છું, ૮૦ વર્ષનો થયો છું. મહેરબાની કરીને મને જીવતો કરી દો. મને ખાવાના ફાંફાં પડે છે. સરકારી સહાય શરૂ કરાવો. હું અસહાય થઈ ગયો છું. મને અનાજ મળતું નથી કે પેન્શન પણ મળતું નથી. આખો કિસ્સો સાંભળીને કલેક્ટરને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.




