
રાજ ઠાકરેની MNS ૨૨ શહેરોમાં ૦.BMC માં ૧૦નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS!.મરાઠી માણસના મુદ્દે સાથે લડેલા UBT અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના ગઠબંધનને મતદારોએ નકાર્યું.મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ રાજ્યના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. મુંબઈ (BMC) સહિત રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેનાનું ગઠબંધન પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેવું જણાય છે. ખાસ કરીને BMCમાં ઈતિહાસમાં પહેલીવાર ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવતી દેખાઈ છે, જે ઉદ્ધવ ઠાકરે માટે મોટો ઝટકો માનવામાં આવે છે. આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી બાબત ઠાકરે બ્રધર્સ (ઉદ્ધવ અને રાજ ઠાકરે)ના ગઠબંધનનું નબળું પ્રદર્શન છે. મરાઠી માણસના મુદ્દે સાથે લડેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના(UBT) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના((MNS) ના ગઠબંધનને મતદારોએ નકારી દીધું છે. મુંબઈમાં રાજ ઠાકરેની પાર્ટી માત્ર ૮ બેઠકો પર સીમિત રહી છે, જ્યારે પુણે જેવા મોટા શહેરમાં તેમનું ખાતું પણ ખૂલ્યું નથી. રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) માટે આ ચૂંટણી પરિણામો અસ્તિત્વની લડાઈ સમાન સાબિત થયા છે, જેમાં પાર્ટીનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે.
રાજ ઠાકરેની રાજનીતિનો ગઢ ગણાતા નાસિકમાં પણ મનસેની સત્તા છીનવાઈ ગઈ છે અને પાર્ટી ત્યાં માત્ર ૨ બેઠકો પર સીમિત રહી છે. સૌથી વધુ આંચકાજનક બાબત એ છે કે પુણે, નાગપુર, સંભાજીનગર, કોલ્હાપુર, સોલાપુર અને અમરાવતી જેવા મુખ્ય કેન્દ્રો સહિત કુલ ૨૨ શહેરોમાં મનસેને એક પણ બેઠક મળી નથી અને ત્યાં પાર્ટી ઝીરો પર આઉટ થઈ ગઈ છે. આ સિવાય થાણે, નવી મુંબઈ અને ઉલ્હાસનગર જેવા શહેરોમાં પણ પાર્ટી માત્ર ૧-૧ બેઠક સાથે માંડ સિંગલ ડિજિટ સુધી પહોંચી શકી છે, જે દર્શાવે છે કે મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં રાજ ઠાકરેનો પ્રભાવ લગભગ ઓસરી રહ્યો છે. બીજી તરફ, ભાજપ મુંબઈમાં ૯૦ બેઠકો પર આગળ ચાલી રહી છે અને શિંદે જૂથ સાથે મળીને બહુમતીનો આંકડો પાર કરતી દેખાય છે. મુંબઈ ઉપરાંત નાગપુર અને પુણેમાં પણ ભાજપ પોતાના મેયર બનાવવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં ભાજપનું પલડું ભારે રહેતા વિપક્ષી ગઠબંધન અને ઠાકરે પરિવારના વર્ચસ્વ સામે મોટા સવાલો ઊભા થયા છે.




