
તંત્રની મિલીભગત અને ખનનની પદ્ધતિ./સેવાલિયામાં ખનીજ માફિયાઓ પર ગાંધીનગરથી દરોડો પડ્યો.આ ખનન કોઈ નાના પાયે નહીં પરંતુ અંદાજે ૮૦૦-૯૦૦ મીટરમાં ફેલાયેલું હતુ.ખેડા જિલ્લાના સેવાલિયા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે (FS) લાલ આંખ કરી છે. સ્થાનીક ખેડા ખાણ-ખનીજ વિભાગની રહેમનજર હેઠળ ધમધમતી આ ગેરકાયદે માઈન્સ પર દરોડા પાડીને કરોડોના મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.
ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડને બાતમી મળી હતી કે સેવાલિયાના રુસ્તમપુરા વિસ્તારમાં લાખા ભરવાડ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું છે.
દરોડા દરમિયાન ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે આ ખનન કોઈ નાના પાયે નહીં પરંતુ અંદાજે ૮૦૦-૯૦૦ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હતું. કાર્યવાહીમાં જપ્ત કરાયેલ સાધનોમાં ૦૩ હિટાચી મશીન,૦૧ હિટાચી બ્રેકર મશીન, ૦૧ ટ્રેક્ટર કોમ્પ્રેસર મશીન આ તમામ મશીનો હાલ સેવાલિયાની જનતા ક્વોરી ખાતે સીઝ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદે માઈન્સ છેલ્લા ૮ થી ૯ મહિનાથી ધમધમતી હતી. સ્થાનીક રાજકીય પીઠબળ અને ખેડા ખાણ-ખનીજ વિભાગની આંખ આડા કાન કરવાની નીતિને કારણે આ ખનન માફિયાઓ બેફામ બન્યા હતા. અહીં કોઈપણ પરવાનગી વગર જાેખમી બ્લાસ્ટિંગ કરીને ‘બ્લેક ટ્રેપ‘ (પથ્થર) કાઢવામાં આવતો હતો. રોજની અંદાજે ૧૦૦થી વધુ ગાડીઓ ભરીને ખનીજ ચોરી કરવામાં આવતી હતી. આ કાચો માલ સેવાલિયાની જ અન્ય ક્વોરીઓ જેવી કે ત્રંબકેશ્વર ક્વોરી અને પાલ હિલ ક્વોરીમાં સપ્લાય કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે.




