
શિવભક્તોને રેલવેની ભેટ ! પવિત્ર તહેવાર મહાશિવરાત્રી પર દોડશે સ્પેશિયલ ટ્રેનો રેલવેએ ઉજ્જૈન, ભોપાલ, સિહોર અને રાજકોટ-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે
આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર રવિવાર, ૧૫ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવના ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં જાય છે. ગુજરાતમાં પ્રખ્યાત સોમનાથ શિવ મંદિરની નજીક વેરાવળમાં મહાશિવરાત્રીનો મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવે છે. બાબા મહાકાલના દર્શન કરવા માટે ઉજ્જૈન અને સિહોર (કુબેરેશ્વર ધામ)માં પણ ભક્તોની મોટી ભીડ ઉમટે છે. તેથી રેલવેએ મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તોને મોટી રાહત આપી છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના રતલામ વિભાગે ઉજ્જૈન, ભોપાલ અને સંત હિરદારામ નગર વચ્ચે ત્રણ જાેડી મેળા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો ર્નિણય લીધો છે. આ ટ્રેનો ૧૩ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજકોટ અને વેરાવળ વચ્ચે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” અનરિઝર્વ્ડ ટ્રેન (૦૯૫૧૩/૦૯૫૧૪) પણ ચલાવવામાં આવી રહી છે. તે ૧૩ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી સુધી દોડશે.
ટ્રેન નં. ૦૯૫૧૩ રાજકોટથી વેરાવળ સ્પેશિયલ ટ્રેન સવારે ૬:૫૫ વાગ્યે રાજકોટથી ઉપડશે અને સવારે ૧૦:૫૫ વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેન નં. ૦૯૫૧૪ વેરાવળથી રાજકોટ સ્પેશિયલ ટ્રેન બપોરે ૩:૨૦ વાગ્યે વેરાવળથી ઉપડશે અને રાત્રે ૮ વાગ્યે રાજકોટ પહોંચશે.
ઉજ્જૈનથી ભોપાલ અને સંત હિરદારામ નગર સુધીની ટ્રેનો
રતલામ ડિવિઝન દ્વારા ૧૩ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી ઉજ્જૈન, ભોપાલ અને સંત હિરદારામ નગર (સિહોર) વચ્ચે ત્રણ જાેડી મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર ૦૯૩૦૫ ઉજ્જૈનથી દરરોજ સવારે ૯ વાગ્યે ઉપડશે અને બપોરે ૧:૩૦ વાગ્યે સંત હિરદારામ નગર પહોંચશે. રીટર્ન ટ્રેન નંબર ૦૯૩૦૬ બપોરે ૨:૩૦ વાગ્યે ઉપડશે અને સાંજે ૭:૩૦ વાગ્યે ઉજ્જૈન પહોંચશે.
ટ્રેન નંબર ૦૯૩૦૭ ઉજ્જૈનથી રાત્રે ૯ વાગ્યે ઉપડશે અને સવારે ૨:૧૦ વાગ્યે ભોપાલ પહોંચશે. રીટર્ન ટ્રેન નંબર ૦૯૩૦૮ ભોપાલથી સવારે ૩:૧૦ વાગ્યે ઉપડશે અને સવારે ૮ વાગ્યે ઉજ્જૈન પહોંચશે.
ટ્રેન નંબર ૦૯૩૧૩ ઉજ્જૈનથી સાંજે ૪ વાગ્યે ઉપડશે અને રાત્રે ૯:૪૦ વાગ્યે સંત હિરદારામ નગર પહોંચશે. રીટર્ન ટ્રેન નંબર ૦૯૩૧૪ રાત્રે ૧૦:૩૦ વાગ્યે ઉપડશે અને સવારે ૨ વાગ્યે ઉજ્જૈન પહોંચશે.
આ ટ્રેનો તરાના રોડ, મકસી, બેરછા, કાલીસિંધ, અકોડિયા, શુજલપુર, કાલાપીપલ અને સિહોર સહિતના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે.
રેલવેના જણાવ્યા મુજબ, આ અનરિઝર્વ્ડ ટ્રેનો છે, એટલે કે ટિકિટ સામાન્ય કાઉન્ટર અથવા અન્ય રીતે ખરીદી શકાશે. વધુ ટ્રાફિકને કારણે આ ટ્રેનો ભક્તો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.




