
ડઝનબંધ લોકોની રોજગારી પર તલવાર!.રાજકોટના ચાંદી બજારમાં ૫૦ જેટલા યુનિટ બંધ.એક કારખાનામાં ૧૫ જેટલા કારીગરો કામ કરતા હતા, જેમની સામે હાલમાં માત્ર બે જ કારીગર કામ કરી રહ્યા છે.વિશ્વવિખ્યાત રાજકોટની ચાંદી બજારની ચમક ચાંદીએ જ છીનવી લીધી છે. એક તરફ સોના – ચાંદીના ભાવ દરરોજ એક નવી ઐતિહાસિક સપાટી હાંસલ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટનો ચાંદી ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં ફસાયો છે. હાલમાં ૫૦ જેટલા ચાંદીના યુનિટ બંધ થયા હોવાનું ખુદ ચાંદીના મેન્યુફેક્ચર કરતા માલિકે જણાવ્યું છે. જેના કારણે હાલમાં લાખો લોકોની રોજગારી ઉપર તલવાર લટકી રહી છે.
જ્વેલરી માર્કેટનું નામ આવે એટલે સ્વભાવિક રીતે જ રાજકોટની યાદ આવે. પરંતુ દેશભરમાં જ્વેલરી હબ તરીકે ઓળખાતા રાજકોટને હાલના સમયમાં કોઈની નજર લાગી ગઈ હોય તેવા તથ્યો સામે આવી સહ્યા છે. એક સમયે માત્ર ચાંદીની ચમકથી ચમકતા રાજકોટનાં જ્વેલરી બજારમાં હાલ ચાંદીની ચમક છીનવાઈ ગઈ હોય અને ચારેય તરફ માયુસી છવાઈ ગઇ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલના સમયમાં ઐતિહાસિક સપાટીએ પહોંચેલા સોના-ચાંદીના ભાવ વચ્ચે રાજકોટમાં ૫૦ જેટલા ચાંદીના યુનિટ બંધ થયા હોવાની વિગતો સામે આવી રહી છે.
રાજકોટમાં ચાંદીના દાગીના મેન્યુફેક્ચર કરતા માલિકોના કહેવા અનુસાર, ચાંદીના મેન્યુફેક્ચર યુનિટમાં પહેલા મહિના દરમિયાન આશરે ૩૦૦ કિલો ચાંદીનું કામ મળતું હતું. જેની સામે હાલમાં ન કહી શકાય એટલું ઓછું કામ મળે છે. જેના કારણે રાજકોટમાં ૫૦ જેટલા ચાંદીના યુનિટ બંધ થયા છે. આ એક કારખાનામાં ૧૫ જેટલા કારીગરો કામ કરતા હતા, જેમની સામે હાલમાં માત્ર બે જ કારીગર કામ કરી રહ્યા છે.
ચાંદીના દાગીના બનાવનાર એક યુનિટના માલિકે આપેલી માહિતી અનુસાર, છેલ્લા ૬ મહિનામાં આ એક જ યુનિટની અંદર ૧૩ જેટલા કારીગરોનીરોજગારી છીનવાઈ ગઈ છે. આ તો માત્ર એક જ કારખાનાની વાત થઈ. આવા તો અનેક કારખાના રાજકોટમાં આવેલા છે. રાજકોટની ચાંદી બજારમાં માત્ર એક-બે જગ્યાએ નહીં પરંતુ જે ચાંદીના કારખાનામાં જ્યાં જુઓ ત્યાં હાલ બેહાલ જાેવા મળશે. અહીંયા ન કોઈ કારીગર દેખાય છે ન કોઈ કામગીરી થતી દેખાય છે. જ્યાં જુઓ ત્યાં અંધકાર નજરે પડે છે. આજ અંધકાર ચાંદી બજારની વાસ્તવિક પરિસ્થિતિ છે.
માહિતી મુજબ, રાજકોટના સામા કાંઠે વિસ્તારમાં ૧૨૦૦ કરતાં પણ વધુ ચાંદીના મેન્યુફેક્ચર કરતાં કારખાનાઓ આવેલા છે. જાેકે ચાંદી મેન્યુફેક્ચર કરતા આ યુનિટના માલિકનું કહેવું છે કે, હાલમાં ૫૦ કારખાનાઓ બંધ થઈ ગયા છે અને હજુ પણ આગામી સમયમાં વધુ કારખાના બંધ થાય તેવી શક્યતા છે. આ એક કારખાનામાં ૧૫થી ૨૦ જેટલા કારીગરો કામ કરતા હોય છે, જેથી ૫૦ જેટલા કારખાનાઓ બંધ થવાથી આ ડઝનબધ્ધ લોકોની રોજગારી છીનવાઈ રહી હોવાની ભીતિ સર્જાઈ રહી છે.
આ ઉપરાંત ચાંદીનું છૂટક કામ મહિલાઓને ગૃહ ઉદ્યોગ તરીકે અપાતું હોય છે એટલે કે રાજકોટમાં લાખો લોકો ચાંદી કામની રોજગારી સાથે જાેડાયેલા હોય છે. રાજકોટ શહેરમાં સોના ચાંદીનું કામ એટલું બધું હોય છે કે અહીંયા બીજા રાજ્યોમાંથી કારીગરો કામ કરવા માટે આવતા હોય છે. ત્યારે હાલની ચાંદી બજારમાં મંદીની સ્થિતિ સર્જાતા અહીંયા કામ કરતા કારીગરોએ કહ્યું કે, હાલમાં કામ એટલું ઓછું મળે છે કે તેઓને ઘર ચલાવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પરંતુ શા માટે સર્જાઈ આવી ગંભીર પરિસ્થિતિ? આ અંગે મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા દૂર દૂરથી લોકો આવતા હોય છે, અહીંયા બનતી ડિઝાઇન લોકોને ખાસ પસંદ આવતી હોય છે. એમાં પણ હાલમાં લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં લોકો ખાસ સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે સોના-ચાંદીનો ભાવ એટલો વધ્યો છે કે લોકોએ પણ પોતાની ખરીદી ઉપર કાપ મૂકવો પડે છે.
પરિણામે જેમ જેમ ચાંદીના ભાવ વધતા ગયા તેમ તેમ ચાંદીની ડિમાન્ડ ઘટતી જાેવા મળી રહી છે. જેથી ચાંદીની ડિમાન્ડ ઘટતાની સાથે જ મેન્યુફેક્ચરરોની જે કામ મળતું હતું તે ક્રમશ: ઘટતું ગયું. જેથી રાજકોટની ચાંદી બજારમાં છેલ્લા છ મહિનાથી આવા જ મંદીના હાલ જાેવા મળી રહ્યા છે.
ચાંદીના છેલ્લા પાંચ વર્ષના ભાવની વાત કરવામાં આવે તો કેટલીક વિશ્વસનીય વેબસાઈટ ઉપરથી મળતી માહિતી મુજબ પ્રતિ કિલો ચાંદીનો ભાવ વર્ષ ૨૦૨૧માં ૬૨,૫૭૨ રૂપિયા હતો. જે વર્ષ ૨૦૨૨માં ૫૫,૦૦૦ રૂપિયા થયો, બાદમાં ક્રમશ: વર્ષ ૨૦૨૩માં રૂ. ૭૮,૬૦૦, વર્ષ ૨૦૨૪માં ૯૫,૭૦૦ રૂપિયા, વર્ષ ૨૦૨૫માં ૨,૬૨,૦૦૦ રૂપિયા અને વર્ષ ૨૦૨૬માં ચાંદીમો ભાવ ૩,૦૦,૦૦૦ રૂપિયાને પાર પહોંચ્યો છે, પરંતુ ના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેમની પાછળનું કારણ શું?
આ અંગે વેપારીઓએ જણાવ્યું કે, હાલમાં અમેરિકા દ્વારા જે ટેરીફવોર ચાલે છે, તેના કારણે સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરાંત ચાંદીનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં વધ્યો છે, તે પણ સોના-ચાંદીના વધતા ભાવ અંગેનું એક મહત્વનું પરિબળ છે.
ઉપરાંત અલ્પેશ દુધાગરા નામના એક ગ્રાહકે આ મામલે કહ્યું હતું કે, તેમને ત્યાં પ્રસંગ આવે છે આ માટે તેઓએ રિવાજ પ્રમાણે ચાંદીના દાગીના આપવાના હોય છે.
આ માટે તેઓએ પ્રસંગ નજીક આવે ત્યારે નવી ડિઝાઇનના દાગીના ખરીદવાનું નક્કી કર્યું હતું, જાેકે રાહ જાેવામાં તેમને વધુ કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે




