
એરલિફ્ટ કરીને મોહાલી લઈ જવાયા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી ડોક્ટરોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત અચાનક લથડી હતી. તેઓ સંગરૂરમાં આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સાથે એક કાર્યક્રમમાં હાજર હતા. તબિયત લથડતા તેમને એરલિફ્ટ કરીને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ ડોક્ટરોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી જ્યારે સંગરૂરના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને મોહાલી લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાની સાથે જ નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું મેડિકલ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનું બ્લડ પ્રેશર (BP) અચાનક વધી ગયું હતું, જાેકે હવે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ રાહત અનુભવી રહ્યા છે.
સીએમ ભગવંત માન આજે સંગરૂરની મુલાકાતે હતા. તે પહેલાં તેમણે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સંગરૂરના ધૂરીમાં આવેલા પ્રાચીન શ્રી રણકેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. અહીં તેમણે ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેઓ રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હતા, જે દરમિયાન અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.




