
કેમિકલયુક્ત પાણી છોડાયાનો આક્ષેપદહેગામના સાંપા ગામના તળાવમાં હજારો માછલીઓના મોત થયા.હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતા આખું તળાવ સફેદ ચાદર ઓઢી હોય તેમ માછલીઓના મૃતદેહોથી ઉભરાયું.ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામની સીમમાં આવેલું તળાવ આજે મરેલી માછલીઓના ઢગલાથી ભરાઈ ગયું છે. હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતા આખું તળાવ સફેદ ચાદર ઓઢી હોય તેમ માછલીઓના મૃતદેહોથી ઉભરાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, અને ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.સાંપા ગામના રહીશોના જણાવ્યા અનુસાર, તળાવની નજીકમાં જ શિવસાગર કોલ્ડ સ્ટોરેજ આવેલું છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે, આ કોલ્ડ સ્ટોરેજ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી તળાવમાં છોડવામાં આવ્યું છે.
આ ઝેરી પાણીને કારણે જ જળચર સૃષ્ટિનો નાશ થયો છે અને માછલીઓ તરફડિયા મારીને મોતને ભેટી છે. માત્ર માછલીઓ જ નહીં, પરંતુ આસપાસના પર્યાવરણ અને ખેતીને પણ નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.હજારો માછલીઓના મોતના આ દ્રશ્યો એટલા હૃદયદ્રાવક છે કે, જેણે પણ જાેયા તે સ્તબ્ધ થઈ ગયા છે. ગ્રામજનો હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માગ કરી રહ્યા છે. શિવસાગર કોલ્ડ સ્ટોરેજ સામે તપાસ કરી જાે તે દોષિત જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. ખરેખર માછલીઓના મોત કેમિકલને કારણે થયા છે કે, અન્ય કોઈ પર્યાવરણીય કારણ છે, તે તો લેબોરેટરી તપાસ બાદ જ બહાર આવશે. હાલમાં આ ઘટનાને લઈને જીપીસીબી ની ટીમ તપાસ માટે આવે તેવી લોક માગ પ્રબળ બની છે.




