
લાલ પાણીથી ગ્રામજનો હેરાન, હિજરતની નોબત.ઈન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણનો કહેર.આ પ્રદૂષણના કારણે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર પણ ભારે અસર પડી છે.કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં વિકાસના દાવાઓ સાથે જાેડાયેલી અંધારી તસવીર સામે આવી છે.ગામમાં આરસીસી રોડ, સીસીટીવી કેમેરા, શાળા, હાઈસ્કૂલ, બેંક અને આરોગ્ય કેન્દ્ર જેવી પ્રાથમિક સુવિધાઓથી વિકસિત થયું હોવા છતાં, આસપાસની કેમિકલ કંપનીઓના પ્રદૂષણને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બોરવેલ અને ટ્યુબવેલમાંથી નીકળતા લાલ રંગના પ્રદૂષિત પાણીએ લોકોના જીવનને જાેખમમાં મુકી દીધું છે, જેના કારણે શારીરિક બીમારીઓ વધી રહી છે અને ગ્રામજનો હિજરત કરવા મજબૂર બન્યા છે. આ મુદ્દે ગ્રામજનોએ સરકારને તાત્કાલિક પગલાં નહીં લેવા પર કડા શબ્દોમાં ચેતવણી આપી છે.
ઈન્દ્રાડ ગામ આસપાસ ગોઠવાયેલી અનેક કેમિકલ ફેક્ટરીઆએ પાણી અને હવાના પ્રદૂષણને અસહ્ય સ્તરે પહોંચાડી દીધું છે. ગામના બોરવેલ અને ટ્યુબવેલમાંથી નીકળતા પાણીમાં લાલ રંગના કેમિકલ્સ મળી આવ્યા છે, જે પીવા અને ખેતી માટે અયોગ્ય બની ગયું છે. આ પ્રદૂષણના કારણે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર પણ ભારે અસર પડી છે. કૃષકોને પાક નુકસાન થઈ રહ્યું છે, જ્યારે પશુઓમાં વિવિધ બીમારીઓના કેસ વધી રહ્યા છે.
ગ્રામજનોના મુજબ, કંપનીઓ કેમિકલયુક્ત પાણીને જમીનમાં સીધું ઉતારી દે છે, જેના પરિણામે ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યું છે.
“આ પાણી ન તો પીવાલાયક છે, ન તો ખેતી લાયક. આનાથી આપણા પરિવારોનું સ્વાસ્થ્ય જાેખમમાં છે,” તેતેવું ગામલોકોનુ કહેવું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામમાં કેન્સર, ત્વચા રોગો અને શ્વાસની બીમારીઓ જેવા ગંભીર રોગોનું પ્રમાણ અણધારી રીતે વધ્યું છે.
ગ્રામજનો લાંબા સમયથી આ મુદ્દે તંત્ર પાસે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ રાહત મળી નથી. ગામના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા ઠાકોર મનુજી સરતાનજીએ વાત કરતાં કહ્યું, “ચીલ્લા ઘણા સમયથી આપણે રજૂઆતો કરીએ છીએ. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પુરાવા સાથે ફરિયાદ કરી છે, પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના અધિકારીઓ કોઈ પગલાં લેતા દેખાતા નથી. જ્યારે જનસુનાવણી યોજાય છે, ત્યારે આપણે કંપનીઓનો વિરોધ કરીએ છીએ, પણ તેમને મંજૂરીઓ મળી જાય છે. આ કેવી વ્યવસ્થા છે?”
આ પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ સરકારને કડી ચેતવણી આપી છે.તેઓએ જણાવ્યું કે જાે આ કેમિકલ એકમોને તાત્કાલિક બંધ નહી કરવામાં આવે અથવા તેમને અન્ય વિસ્તારમાં ખસેડવામાં નહી આવે, તો આવનારા સમયમાં ઈન્દ્રાડ ગામ રહેવા લાયક રહેશે નહીં. “આખું ગામ ખાલી થઈ જશે, કારણ કે આપણે આમાં જીવી શકીએ તેમ નથી,” તેમ ગ્રામજનોએ કહ્યું. પહેલેથી જ કેટલાક પરિવારો ગામ છોડીને જતા થયા છે, જે વિસ્તારના વિકાસ માટે ચિંતાનો વિષય છે.




