
ગાંધીનગરમાં વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભા ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ તથા ખેતીની જમીન સુધારા સંબંધિત વિધેયક-3 લાવવામાં આવ્યું. આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલી કલેક્ટરની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સૂચવ્યું હતું કે નવા સુધારામાં કલેક્ટરની સત્તા પર નિયંત્રણ મૂકવામાં આવવું જોઈએ. જોકે, સત્તાપક્ષના સભ્યો દ્વારા આ મુદ્દે ચર્ચા કરવાની તક આપવામાં આવી નહોતી.
ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે સરકાર કલમ 75 હેઠળ સુધારો લાવી રહી છે, ત્યારે કલમ 54 અંગે ચર્ચા કરવી અત્યંત જરૂરી છે. સૌરાષ્ટ્ર પ્રાંતના સમયમાં માલધારીઓને ખેડૂતનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જેથી તેઓ સ્થાયી બની ખેતી કરી શકે. માલધારીઓએ જમીન ખરીદી હોવા છતાં સાત-બારમાં તેમનાં નામ દાખલ કરવામાં આવ્યાં નથી. આ મુદ્દે તેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. આવા અનેક કેસ સૌરાષ્ટ્રના દસ જેટલા જિલ્લાઓમાં પડતર પડ્યા છે. ત્યારે સરકાર દ્વારા જે નવો સુધારો લાવવામાં આવ્યો છે તે પ્રમાણે સુધારો થઇ જશે તો માલધારીઓ એટલે રબારી,ભરવાડ અને ચારણ સમાજનો સમાવેશ થાય છે, આ લોકોએ માલધારીમાંથી ખેડૂત તરીકે ખરીદેલી જમીનો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થશે. ત્યારે આજે સરકારે પોતાના કાંડ છુપાવવા માટે અને ક્લેકટરની ધરપકડ ન થાય તે માટે ગૃહમાં આ મુદ્દે ચર્ચા કરતા અટકાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ અધ્યક્ષને મળી યોગ્ય પ્રક્રિયા મુજબ રજૂઆત કરશે.




