
સૌથી વધારે વર્ગ ૩ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા.વિધાનસભા ગૃહમાં લાંચિયા અધિકારીઓનો મુદ્દો ઉઠ્યો.આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ભ્રષ્ટાચાર અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.આપણે રોજબરોજ લાંચ-રુશ્વત લેતા કેટલાય લોકો પકડાયા હોવાના સમાચાર મળતા હોય છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભાના ગૃહમાં ભ્રષ્ટાચાર અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જે અંતર્ગત તેમણે પૂછ્યું હતું કે, સરકારના લાંચ-રુશ્વત વિરોધી એટલે કે એલસીબીમાં કેટલા અધિકારી કર્મચારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા તે અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં અમિત ચાવડાએ ગૃહમાં સરકારને પૂછ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં લાંચ-રુશ્વત વિરોધી વિભાગે કેટલા સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે ગુનો નોંધાયા છે?
આ મુદ્દે જાણવા મળ્યું કે, કુલ ૧૮૭ જેટલા લાંચિયા અધિકારીઓની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે અંતર્ગત ૩૭ જેટલા ગુનેગારો સામેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ૧૦૧ લોકો નિર્દોષ છુટ્યા હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું. જાેકે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ૧૮૭ જેટલા લાંચિયા અધિકારીઓમાંથી કયા વિભાગના અને કયા વર્ગના કેટલા અધિકારીઓ છે તે અંગેનો પેટા પ્રશ્ન પૂછ્યો હતો. અમિત ચાવડાને જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, વર્ગ એકના ૧૩ જેટલા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે વર્ગ ૨ ના ૨૫ જેટલા કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. સૌથી વધુ લાંચમાં વર્ગ ત્રણના અધિકારીઓનો સમાવેશ થાય છે. જે અંગેના મળતા આંકડા મુજબની વિગતો મેળવીએ તો સૌથી વધુ લાંચિયા અધિકારી ગૃહ વિભાગના ઝડપાયા છે. જેની સંખ્યાની દ્રષ્ટિએ જાેઈએ તો ૬૩ જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. ત્રીજા ક્રમે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ૧૭ જેટલા કર્મચારીઓની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે મહેસુલ વિભાગના કર્મચારીઓ બીજા ક્રમે આવે છે. મહેસુલ વિભાગના ૨૭ જેટલા કર્મચારીઓની ધરપકડ લાંચ-રુશ્વતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ પણ બાકાત નથી રહ્યું. કેમકે શિક્ષણ વિભાગમાંથી પણ ૧૦ જેટલા અધિકારીઓ કર્મચારીઓ લાંચ લેવાના કિસ્સામાં ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આમ ભ્રષ્ટાચાર માટે વારંવાર વાતો થાય છે પરંતુ વાસ્તવિક ચિત્ર અલગ હોવાનું પણ સામે જાેવા મળી રહ્યું છે. જે અંતર્ગત ભ્રષ્ટાચારમાં ગૃહ વિભાગ, મહેસુલ વિભાગ, શિક્ષણ વિભાગ અને પંચાયત ગ્રામ ગ્રુપ નિર્માણ મોખરે હોવાનું સામે આવ્યું છે.




