
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમણે આજે વિધાનસભામાં પોતાના મતવિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને લગતા અગત્યના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં ટેકાના ભાવે ખરીદી અંગે પ્રશ્ન પૂછતા તેમણે સરકારને પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણાને ટેકાના ભાવે વેચવા માટે કેટલા ખેડૂતોએ નોંધણી કરાવી, તેમાંથી કેટલાએ વાસ્તવમાં પાક વેચ્યો અને કેટલાના ચૂકવણાં બાકી છે. સરકાર તરફથી મળેલા જવાબ મુજબ અનેક ખેડૂતોના ચુકવણાં હજુ બાકી છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે માત્ર જૂનાગઢ જિલ્લામાં જ અંદાજે 30થી 35 હજાર ખેડૂતોને છેલ્લા બે મહિનાથી ચૂકવણાં મળ્યાં નથી. તેમણે જણાવ્યું કે સરકાર 100 ટકા પાક ખરીદતી નથી. ખેડૂતના ખેતરમાં 1000 મણ ઉત્પાદન થાય તો માત્ર 10થી 20 ટકા જ ખરીદે છે, અને તે પૈસાં પણ સમયસર ચૂકવાતા નથી. જો સરકાર પાસે ચૂકવણી કરવાની ક્ષમતા ન હોય, તો ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવી ન જોઈએ. તેમણે બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ કરી હતી.
વિસાવદર વિસ્તારમાં વન વિભાગ દ્વારા જંગલ જમીન તરીકે નોંધાયેલા વિસ્તારોનો મુદ્દો અત્યંત ગંભીર છે. આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અનેક ગામોમાં હજારો એકર જમીનને અનામત જંગલ તરીકે દાખલ કરવામાં આવી છે, જ્યારે વાસ્તવમાં આ જમીન પેઢીઓથી સ્થાનિક ખેડૂતોની માલિકીની છે. તેમણે જણાવ્યું કે આ જમીન પર ખેડૂતોનો કબજો આજે કે ગઈકાલથી નહીં, પરંતુ 1970 પહેલાંથી છે. સાતબારાના દસ્તાવેજોમાં પણ વારસાગત રીતે ખેડૂતોનાં નામ નોંધાયેલા છે. છતાં વન વિભાગ દ્વારા આ જમીનને અનામત જંગલ તરીકે દર્શાવવામાં આવતા ખેડૂતોને અનેક વહીવટી અને કાનૂની તકલીફો ભોગવવી પડી રહી છે. વિધાનસભામાં વનમંત્રી સમક્ષ માંગણી કરી કે ખેડૂતોની માલિકીની જમીન પર અનામત જંગલ તરીકે થયેલી નોંધ દૂર કરવામાં આવે અને ખેડૂતોને તેમના હક્કો કાયદેસર રીતે પરત આપવામાં આવે.તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્રથી લઈને રાજ્ય, જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને ગામપંચાયત સુધી અનેક સ્તરે ભાજપની સરકારો હોવા છતાં ખેડૂતોના મૂળ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળતા દેખાઈ રહી છે.
પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારો અંગે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પૂછ્યું કે કેટલા ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. સરકારના જવાબ મુજબ 128 માછીમારો હાલ પાકિસ્તાનમાં કેદ છે. છેલ્લા બે વર્ષમાં ત્રણ માછીમારોના જેલમાં જ મૃત્યુ થયા હોવાનું પણ સરકારે સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારો હોવા છતાં ગુજરાતના માછીમારોને પરત લાવવા પૂરતા પ્રયાસો થવા જોઈએ. જાફરાબાદ, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા કેદ માછીમારોના પરિવારોની સ્થિતિ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને અપીલ કરી કે પાકિસ્તાનની જેલમાં બંધ તમામ 128 માછીમારોને વહેલી તકે પરત લાવવા જરૂરી પગલાં લેવામાં આવે અને જેલમાં મૃત્યુ પામેલા માછીમારોને વિધાનસભામાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે.




