
અચાનક વાતાવરણમાં પલટો આવ્યો.પંચમહાલ અને સુરતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત.વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જાેર પણ વધ્યું છે.રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો જાેવા મળ્યો હતો. ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. અચાનક થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં વિચિત્ર હવામાન જાેવા મળી રહ્યું છે. અત્યારે પંચમહાલમાં જિલ્લામાં શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુનો એકસાથે અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડો પવન અને વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા અને ઠંડું બન્યું છે. જ્યારે બપોરના સમયે પારો ઊંચકાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.રવી પાકને નુકસાનની ભીતિકમોસમી વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને રવી પાક લણણીના આરે છે ત્યારે આ વરસાદ તેને નુકસાન પહોંચાડી શકે છે.
ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં અને ચણાના પાકને વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે ખેતીના પાકમાં જીવાત પડવાની તેમજ લોકોમાં શરદી-ઉધરસ જેવો વાયરલ ઈન્ફેક્શન વધવાની શક્યતા પણ વધી ગઈ છે.માત્ર ગોધરા જ નહીં પરંતુ ગ્રામ્ય પંથકોમાં પણ હળવા ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશ ઓછો જાેવા મળ્યો હતો, જેના લીધે સવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.સુરતમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જાેર પણ વધ્યું છે.




